મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્ય સરકાર ખેડૂતોની કોઇપણ સમસ્યાના ઉકેલ લાવવા માટે હંમેશા તત્પર રહી છે. તેમજ રાજ્યના ખેડૂત આર્થિક રીતે વધુ સક્ષમ બને તે માટે સરકાર કટિબધ્ધ છે.
ગઈકાલે પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા આ યોજનાના 19માં હપ્તાના ચૂકવણા પ્રસંગે ગાંધીનગરમાં વર્ચ્યુઅલી જોડાયેલા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 19મા હપ્તામાં રાજ્યના 51 લાખથી વધુ ખેડૂતોને એક હજાર 148 કરોડની ચૂકવણી કરવામાં આવી છે.
ડાંગના વઘઇ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો ‘કિસાન સન્માન’ સમારોહમાં ડાંગ જિલ્લાના ૩૩ હજાર ખેડૂતોના બેન્ક ખાતામાં કિસાન સન્માન નિધિની સહાય રકમ જમા કરાઈ હતી. તો જામનગર જિલ્લાના અંદાજિત એક લાખ ખેડૂતોને અંદાજિત 23 કરોડ રૂપિયાની સહાય તેમના બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવી હતી.
બનાસકાંઠાના દાંતીવાડા ખાતે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં અંદાજિત ૪ લાખ ૩૭ હજાર ખેડૂતોના બેન્ક ખાતામાં અંદાજિત ૮૭.૪૭ કરોડ રૂપિયાની સહાય જમા કરાઈ હતી.
રાજ્ય સરકાર ખેડૂતોની કોઇપણ સમસ્યાના ઉકેલ લાવવા માટે હંમેશા તત્પર : મુખ્યમંત્રી
