રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વડોદરા મહાનગર પાલિકા, જસદણ અને વિજાપુર નગરપાલિકાઓમાં કુલ મળીને 563 કામો માટે 3 કરોડ 14 લાખ રૂપિયાના ભંડોળને મંજૂરી આપી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ સંદર્ભે વડોદરા નગરપાલિકાને 2 કરોડ, 78 લાખના ખર્ચે વિવિધ 50 કામોને મંજૂરી આપી. તેમણે જસદણ નગરપાલિકાને સી. સી. રોડના કામ માટે 19 લાખ, 17 હજાર રૂપિયા તેમજ વિજાપુર નગરપાલિકાને સી. સી. રોડ તેમજ પેવર બ્લૉકના કામો માટે 17 લાખ 43 હજાર રૂપિયા ફાળવવા મંજૂરી આપી છે.
સરકારે આ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં અત્યાર સુધી રાજ્યની મહાનગરપાલિકાઓને 36 હજાર 418 કામો માટે બે હજાર 112 કરોડ અને નગરપાલિકાઓને 7 હજાર 334 કામો માટે 319 કરોડ રૂપિયા મળીને કુલ 43 હજાર 752 કામો માટે 2 હજાર 430 કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે.
ખાનગી સોસાયટીઓમાં રસ્તા, પેવર બ્લોક, પાણીની લાઈન, ડ્રેનેજ લાઈન, સ્ટ્રીટ લાઈટ, રેઈન વોટર હાર્વેસ્ટીંગ તેમજ સોસાયટીઓના કોમન પ્લોટમાં પેવર બ્લોક નાંખવાના કામો માટે આ સહાય 70:20:10ના ધોરણે અપાય છે.
2010માં ગુજરાતની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવા અવસરે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરવામાં આવી હતી.
Site Admin | ઓક્ટોબર 18, 2024 10:50 એ એમ (AM) | મુખ્યમંત્રી