રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે એક જ દિવસમાં વિવિધ વિકાસકાર્યો માટે 605 કરોડ 48 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
સત્તાવાર યાદી મુજબ, નગરપાલિકાઓમાં નવીન બગીચા-ગાર્ડન બનાવવા 40 કરોડ રૂપિયા, 13 નગરોમાં ગ્રંથાલય નિર્માણ માટે 39 કરોડ રૂપિયા, 22 નગરપાલિકાઓના હયાત ગ્રંથાલયોને અદ્યતન બનાવવા રૂપિયા 33 કરોડ, સ્ટૉર્મ વૉટર ડ્રેનેજ, આઉટગ્રૉથ વિસ્તાર વિકાસ, શહેરી સડક યોજના, ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજના અને રેલવે ઓવરબ્રિજ માટે 493 કરોડ 48 લાખ રૂપિયા ફાળવાયા છે.
આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકામાં શહેરની આગવી ઓળખના વિકાસકાર્યો માટે કુલ 104 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે.આ રકમમાંથી લીંબડી, માંડવી-કચ્છ, મુંદરા-બારાઈ, વિરમગામ, બારડોલી, બીલીમોરા,સોનગઢ, વલસાડ, સાણંદ, હળવદ, ગણદેવી, ધરમપુર, દાહોદ, ખંભાત, દ્વારકા, પાદરા, બાબરા, માણસા, ધ્રાંગધ્રા નગરપાલિકાઓ, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકા તેમજ ભાવનગર અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળમાં વિવિધ વિકાસ કાર્યો કરાશે.