રાજ્યનાં 238 તાલુકામાં ગઇ કાલે સાંજે છ વાગ્યાથી આજે સવારના ચાર વાગ્યા સુધી હળવોથી અતિભારે વરસાદ પડ્યો છે. સૌથી વધુ 10 ઇંચ વરસાદ દેવભુમિ દ્વારકા જિલ્લાના ભાણવડ અને કલ્યાણપુર તાલુકામાં પડ્યો છે. જ્યારે દ્વારકા, ખંભાળિયા અને અબડાસા તાલુકામાં આઠ-આઠ ઇંચ વરસાદ પડ્યો છે.
17 તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.રાજ્યમાં મોસમનો સરેરાશ 106 ટકા વરસાદ પડ્યો છે. સૌથી વધુ 127 ટકા વરસાદ કચ્છ ઝોનમાં પડ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 117 ટકા, દક્ષિણ ગુજરાતમાં 110 ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં 103 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 85 ટકા વરસાદ પડ઼્યો છે.
દરમિયાન, રાજ્યનાં મોટા ભાગનાં ડેમ છલકાઈ ગયા છે. સરદાર સરોવર ડેમ કુલ સંગ્રહ ક્ષમતાનો 85 ટકા ભરાયો છે. ડેમમાં બે લાખ 41 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. રાજ્યનાં કુલ 206 ડેમમાંથી 107 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે. 122 ડેમ હાઇ એલર્ટ પર, 15 ડેમ એલર્ટ પર અને 7 ડેમ વોર્નિંગ પર છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી સતત ત્રીજા દિવસે વીડિયો કોન્ફરન્સ યોજીને અસરગ્રસ્ત વિસ્તારોની બચાવ-રાહત કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી. ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લો, દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લામાં પાણીમાં ફસાયેલા લોકો માટે રાહત કામગીરીને પ્રાથમિકતા આપવા તાકીદ કરી હતી.