ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 15, 2024 7:44 પી એમ(PM) | વરસાદ

printer

રાજ્યના કેટલાંક ભાગોમાં આવતીકાલે ભારે વરસાદને પગલે રેડ અલર્ટ જાહેર

રાજ્યમાં વિરામ બાદ ફરી એકવાર ભારે વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. દરમિયાન હવામાન વિભાગે આવતીકાલ માટે કેટલાક જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કર્યું છે. જે અનુસાર દક્ષિણ ગુજરાતના છોટાઉદેપરુ, નર્મદા, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, તેમજ દાદારનગર અને હવેલીમાં રેડ અલર્ટની સ્થિતિ છે. 17 જુલાઈના રોજ આ જિલ્લાઓમાં ભારે વરસાદના જોતા ઑરેન્જ અલર્ટ જાહેર છે.
આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણઁદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
આ તરફ સૌરાષ્ટ્રમાં પણ આગામી બે દિવસમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર, સોમનાથ, બોટાદ, તેમજ કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના અંતરિયાળ ભાગોમાં બારેમેઘ ખાંગા થયા છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના ગરુડેશ્વરમાં 16 ઇંચ, ઉપરાંત સુરતના ઉમરપાડામાં 15 ઇંચ, સુરત જિલ્લામાં 13, અરવલ્લીના મોડાસામાં 9, દાહોદમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો
ભરૂચના નેત્રંગમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જિલ્લાના અંતરિયાળ ભાગોમાં બે થી ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.આરવલ્લી જિલ્લાના મોડાસામાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો
તો બપોરબાદ અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અમદાવાદ શહેરમાં બપોરે અચાનક વાદળો ઘેરાતા અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ હતી. અંદાજે એક કલાક સુધી ધોધમાર પડેલા વરસાદને પગલે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ઠેર ઠેર ટ્રાફિકના પ્રશ્નો સર્જાયા હતા. ખાસ કરીને અમદાવાદ પૂર્વના, હાટકેશ્વર, ખોખરા, ઓઢવ, હીરાવાડી, બાપુનગર, કુબેરનગર, સરદારનગર એરપોર્ટ વિસ્તાર ઉપરાંત ચાંદખેડા, સાબરમતી વિસ્તારમાં પાણી ભરાયાં હતા. મેમ્કો-નરોડા વિસ્તારમાં કલાકમાં જ બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે મીઠાખળી અઁડરપાસ સહિતના કેટલાક અંડરપાસ બંધ થઈ ગયા હતા. શહેરના આશ્રમરોડ, ઉસ્માનપુરા, જમાલપુર, લાલદરવાજા, પાલડી, ઇન્કમટેક્સ, વાડજ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.
આ તરફ ગાંધીનગર ઉપરાંત વાવોલ, કુડાસણ, સરગાસણ, સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા.
તો પંચમહાલ જિલ્લાના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે પંચમહાલ જિલ્લામાં ગત મધ્યરાત્રી થી વરસાદનો પ્રારંભ થયો હતો. જિલ્લાના ગોધરામાં 38, શહેરામાં 16, ઘોઘંબામાં 20 મીલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. ગોધરાના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
મહિસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો. જિલ્લાના લુણાવાડા, ખાનપુર, વીરપુર તાલુકાના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો.
મહિસાગાર જિલ્લામાં અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે જિલ્લાના મુખ્ય મથકમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે મકાઈ, તુવેર અને અન્ય ચોમાસુ પાકને જીવત દાન મળ્યું.
અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે, પાટણ શહેરમાં બપોરે બાદ ઠેર ઠેર વરસાદ પડતા પરિવહન સેવાને અસર થવા પામી હતી.
સાબરકાંઠા જિલ્લાના પ્રતિનિધિ યોગેશ સાથવારા જણાવે છે કે, જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. વરસાદી માહોલને પગલે ચોતરફ લીલોતરી છવાઈ ગઈ છે.
સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જમ્યો છે. લીંબડી, વઢવાણ, લખતર, સુરેન્દ્રનગરમાં વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા.
તો દાહોદ જિલ્લામાં ગઈકાલ રાતથી મેઘ મહેર શરૂ થઈ છે. દાહોદ જિલ્લાના અમારા પ્રતિનિધિ પ્રેમશઁકર કડિયાના જણાવ્યા પ્રમાણે જિલ્લામાં સરેરાશ 5 ઇંચ જેટલા વરસાદ પડ્યો છે.
આમ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણાં ખરાં ભાગોમાં ભારે વરસાદ જોવા મળ્યો. જે આગામી બે દિવસ યથાવત રહે તેવી હવામાન વિભાગની આગાહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ