રાજ્યમાં આ મોસમમાં સરેરાશ 74 ટકા વરસાદ પડ્યો છે. સૌથી વધુ 89 ટકા વરસાદ કચ્છ ઝોનમાં પડ્યો છે. દક્ષિણ ગુજરાત ઝોનમાં 88 ટકા, સૌરાષ્ટ્રમાં 81 ટકા અને પૂર્વ-મધ્ય ઝોનમાં 58 ટકા અને ઉત્તર ગુજરાતમાં 55 ટકા વરસાદ પડ્યો છે.
છેલ્લાં 24 કલાકમાં રાજ્યનાં 97 તાલુકામાં હળવો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરી છે.
આજે બપોરે અમદાવાદનાં કેટલાંક વિસ્તારોમાં હળવું ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
અમારા સુરતના પ્રતિનિધિ જણાવે છે કે, શહેરમાં એક સપ્તાહનાં વિરામ બાદ આજે બપોર પછી વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં સૌથી વધુ 1.6 ઇંચ વરસાદ ઉધનામાં નોંધાયો હતો. સરથાણા, વરાછા અને લિંબાયતમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. મજૂરા, પુણા, લિંબાયતમાં એકથી 2 ફૂટ પાણી ભરાયાં હતાં, આગામી બે દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દરમિયાન, ગઈ કાલે મોડી સાંજે રાજપીપળામાં મોડી સાંજે ધોધમાર વરસાદ તૂટી પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ખેતીના પાકને જીવત દાન મળતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.
અમારા અરવલ્લી જિલ્લાન પ્રતિનિધી જણાવે છે કે વરસાદમાં ભારે ઘટ અને ઉપરવાસમાંથી નહીંવત આવકને કારણે જિલ્લાનાં જળાશયોમાં ૭૦ ટકા પાણીની ઘટ છે.. વાત્રકમાં 27 ટકા, મેશ્વો જળાશયમાં સરેરાશ 28 ટકા અને માઝમ જળાશયમાં 30 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.. જો કે જિલ્લાના જળાશયોમાં પીવાના પાણીનો જથ્થો પર્યાપ્ત માત્રામાં હોવાનું સિંચાઈ વિભાગે જણાવ્યું છે.
Site Admin | ઓગસ્ટ 21, 2024 3:19 પી એમ(PM)