રાજ્યમાં શ્રમિક બસેરા યોજનાની ૧૭ સાઇટોનું આજે અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિભૂજન થયું,તેમજ શ્રમિક બસેરા યોજનાના પોર્ટલનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી પટેલે બાંધકામ શ્રમિકો સહિતના અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે આહાર, આરોગ્ય, આવાસ અને આર્થિક આધાર ઉપલબ્ધ કરાવીને તેમના જીવન ધોરણમાં ગુણાત્મક બદલાવ લાવવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી.
આ પ્રસંગે તેમણે શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં પાંચ રૂપિયાના રાહત દરે અપાતાં પૌષ્ટિક ભોજન,પી.એમ. શ્રમયોગી માન ધન યોજનામાં વયસ્ક શ્રમિકોને મળતા પેન્શન, તેમજ પીએમ જન આરોગ્ય યોજનામાં અપાતી વિનામૂલ્યે આરોગ્ય સેવાઓનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે ઉમેર્યું કે, અમદાવાદ,ગાંધીનગર, વડોદરા અને રાજકોટ ખાતે નિર્માણ થનારા આ શ્રમિક બસેરા થકી અંદાજે ૧૫ હજારથી વધુ બાંધકામ શ્રમિકોને વ્યક્તિદીઠ પાંચ રૂપિયાના ટોકનદરે સુવિધાયુક્ત હંગામી આવાસનો લાભ મળશે.
શ્રી પટેલે આ અવસરે વિવિધ યોજનાઓના કુલ ૨૮ લાભાર્થીઓને ૬ લાખ ૮૦ હજાર રૂપિયાની સહાયનું વિતરણ પણ કર્યું. આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિતિ રહ્યા હતા.
Site Admin | જુલાઇ 18, 2024 7:51 પી એમ(PM) | ભૂપેન્દ્ર પટેલ