ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 18, 2024 7:40 પી એમ(PM) | ચાંદીપુરા વાઈરસ

printer

રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા સંક્રમણને પગલે આરોગ્ય તંત્ર સજાગ બન્યું

રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા સંક્રમણને પગલે આરોગ્ય તંત્ર સજાગ બન્યું છે….
જે અંતર્ગત, આજે જામનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે સમીક્ષા બેઠક યોજી. જીલ્લામાં જામજોધપુર અને ધ્રોલ તાલુકામાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ કેસ મળતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાંઓ લેવાઇ રહ્યા છે.
સાબરકાંઠા જીલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસના કારણે ઓછામાં ઓછા છ બાળકોના મોત થઇ ચૂક્યા છે જ્યારે સાત બાળકો હજી પણ સારવાર હેઠળ છે. પાંચ બાળકોમાં શંકાસ્પદ વાઇરસના નવા કેસ સાથે ગઇકાલ અને આજ સવાર સુધીમાં કુલ 14 કેસ નોંધાયા છે.
ગાંધીનગર શહેરી વિસ્તારોમાં 1 તેમજ ગ્રામ્ય વિસ્તારમાં શંકાસ્પદ ચાંદીપુરાના 2 કેસ જોવા મળ્યા છે. ત્યારે કલોલમાં આ વાઇરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતી 15 મહિનાની એક બાળકીનું તેમજ મુવાડા ગામે સાત વર્ષના બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હોવાના અહેવાલ મળેલ છે.
રાજ્યભરમાં આરોગ્ય તંત્ર દ્વારા સર્વેલન્સની પ્રક્રિયા હાથ ધરાઇ છે, ત્યારે દાહોદ અને અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી શરૂ કરાઇ છે.
દરમિયાન, વડોદરા જીલ્લામાં કલેક્ટરશ્રી દ્વારા લોકોને ચાંદીપુરા વાઇરસથી નહીં ગભરાવવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે તેમજ જીલ્લા તંત્રને વાઇરસના સંક્રમણ અંગે સાબદું કરવામાં આવેલ છે.
પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાઇરસ અંગે લોકોને લક્ષણો અને સારવાર અંગે માહિતી આપવામાં આવી હતી.
અમદાવાદમાં ચાંદલોડિયા અને આંબાવાડી વિસ્તારના 2 બાળકોમાં આ વાઈરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા.
આ તરફ પંચમહાલ જિલ્લામાં પણ બે બાળકોમાં શંકાસ્પદ વાઇરસના લક્ષણો જોવા મળતાં તંત્ર દોડતું થયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ