રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર સરકારે રાજ્યને રાહત-બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન માટે આર્મીની 6 કોલમ ટુકડી ફાળવી છે. ગાંધીનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, આ ટુકડી વરસાદથી વધુ અસરગ્રસ્ત દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટ જિલ્લામાં તહેનાત કરવામાં આવી છે.
બોટાદના અમારા પ્રતિનિધિ પ્રકાશ ભીમાણી જણાવે છે કે, કાળુભા નદી બે કાંઠે વહેતી થઈ છે. જ્યારે નદીમાં તણાતી કારમાં સવાર આઠ જેટલા લોકોને ઢસા પોલીસ સહિત સ્થાનિક લોકોએ બચાવ્યા હતા. ઉપરાંત ભીમનાથ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા પાંચથી વધુ ગામની અવરજવર બંધ કરવી પડી છે.
ભરૂચના અમારા પ્રતિનિધિ વાહીદ મશહદી જણાવે છે કે, સરદાર સરોવર ડેમમાંથી ફરી પાણી છોડાતા જિલ્લાના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીએ 26 ફૂટની સપાટી પાર કરી લીધી છે.
છોટાઉદેપુરના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે, ઓરસંગ નદીમાં વધુ પાણી આવતા ભારજ નદી પરનો બ્રિજ તૂટી ગયો છે, જેના કારણે વાહનવ્યવહાર બંધ કરાયો છે. ઉપરાંત જિલ્લા કલેક્ટરે તમામ અધિકારી અને કર્મચારીઓ તથા તલાટીઓને ફરજિયાત મુખ્યમથક પર હાજર રહેવા તાકીદ કરી છે.
સુરેન્દ્રનગરના અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે, જિલ્લામાં ધોળી ધજા ડેમ, નાયકા ડેમ, થોરિયાળી ડેમ, મોરસલ ડેમ, ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફ્લૉ થઈ ગયા છે. અહીં નીચાણવાળા વિસ્તારોમાંથી 90 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે.
પશ્ચિમ કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટ્ટણી જણાવે છે કે, માંડવી તાલુકાના ફરાદી રામાણિયા વચ્ચે કૉઝ-વે પરથી 2 લોકો સહિત જીપ તણાઈ ગઈ હતી. જોકે, જીપમાં સવાર 2માંથી એક વ્યક્તિનો જીવ બચી ગયો છે. જ્યારે એક ગુમ યુવકની શોધખોળ ચાલી રહી છે. જ્યારે માંડવી-કંડલા બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે.
મહીસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે કે, લુણાવાડાના બામણવાડ ગામમાં વરસાદના કારણે કાચા મકાનની દિવાલ ધરાશાયી થતાં 2 લોકોના મોત નીપજ્યા છે.
મોરબીના અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે, મચ્છુ-2 ડેમના 17 દરવાજા 11 ફૂટ સુધી ખોલવામાં આવતા મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે. તેના કારણે નીચાણવાળા ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.
અમદાવાદ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ જણાવ્યું કે, શહેરમાં વરસાદ ધીમો વડવાથી વરસાદી પાણી ઓસરી રહ્યું છે. એટલે જનજીવન પૂર્વવત્ બની રહ્યું છે.
Site Admin | ઓગસ્ટ 27, 2024 3:42 પી એમ(PM) | વરસાદ