રાજ્યમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને કારણે અનેક માર્ગો ધોવાઇ ગયા હતા. જેને કારણે નાગરિકોને અવરજવરમાં ભારે હાલાકી પડી રહી હતી..જેને કારણે યુધ્ધના ધોરણે માર્ગોના મરામતનું કામકાજ કરવા રાજ્ય સરકાર દ્વારા આદેશ કરાયા હતા. આ આદેશ બાદ માર્ગોના મરામતનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે..
જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદથી ખરાબ થયેલા રસ્તાઓમાંથી 56 કિલોમીટરના રસ્તાઓની મરામત યુદ્ધના ધોરણે પૂર્ણ કરાઈ છે. જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ના માર્ગદર્શનમાં ભારે વરસાદને લીધે ક્ષતિગ્રસ્ત થયેલા જિલ્લાના નાના-મોટા રસ્તાઓના રિપેરિંગ, રિ-સરફેસિંગ, મેટલવર્કની કામગીરી થઇ રહી છે. જિલ્લાના ભારે વરસાદમાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓમાંથી અડધાથી વધુ રસ્તાઓનું રિપેરિંગ કાર્ય પૂર્ણ કરી દેવાયું.
જે અંતર્ગત મોરબી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા નુકસાન થયેલા મોરબીના ધુળકોટ-બાળગંગા-કોયલી રોડ, લગધીરપુરથી નેશનલ હાઇવે ને જોડતો રોડ, ટંકારા તાલુકાના સાવડીથી નેસડાને જોડતો રોડ, ગાળાથી શાપર, રવાપર નદીનો રોડ સહિત મહદ્અંશે તમામ માર્ગો પર મેટલ પાથરી, પેચ વર્ક કરી સહિતની કામગીરી તાત્કલિક સમારકામ હાથ ધરી વાહન વ્યવહાર પૂર્વવત કરી દેવામાં આવ્યો છે.
ખેડા જીલ્લામાં કુલ ૭૦ રસ્તાઓ ભારે વરસાદને કારણે બંધ થયા હતા. જે પૈકી હાલ ૬૦ થી વધુ રસ્તાઓ કાર્યરત થયા છે, અને બાકીના રસ્તા કાર્યરત કરવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે.
જેમાં, મહુધા સસ્તાપુર ખલાડી રોડ, મહોળેલ અલીન્દ્રા રોડ, તોરણીયા એપ્રોચ રોડ, કપડવંજના પાણીયારા ભાટેરા રોડ, નવાપુરા રોડ, નાયકા કલોલી રોડ, કાવઠ લોટીયા રોડ, માલ ઇતાડી દેવના મુવાડા રોડ, ગળતેશ્વરના અંઘાડી ચપાટીયા રોડ અને માતરના દેથલી માંઘરોલ રોડ, વસ્તાના હાંડેવા વાલોત્રી રોડની મરામત કામગીરી કરી રોડ પુનઃ કાર્યરત કરવામાં આવી રહ્યા છે.
અરવલ્લી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા પેચવર્ક સહિતની કામગીરી હાથ ધરી આંતરિક માર્ગો શરૂ કરાયા છે. વીસ રસ્તા બંધ હતા, ઓવર ટોપિંગ સ્ટ્રકચર ડેમેજના કારણે જે પૈકી દસ રસ્તા સમારકામ કરીને ચાલુ કરી દેવામાં આવ્યા છે. અન્ય રસ્તાઓની કામગીરી પ્રગતિમાં છે.
મહેસાણાના વિસનગર નગરપાલિકા દ્વારા શહેરમાં રોડ રસ્તાનું રિપેરીગ અને પેચ વર્ગની કામગીરી કરાઈ.
પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે નાગરિકોને અગવડતાઓ ભોગવવી ન પડે તે માટે આર એન્ડ બી પંચાયત વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે ગ્રામ્ય રસ્તાઓની મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે.
મહીસાગર જિલ્લામાં ભરાયેલા પાણીનો નિકાલ, સફાઈ કામગીરી તેમજ રોગચાળો ના ફેલાય તે માટે દવા છંટકાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. બાલાસિનોર તાલુકાના વિવિધ વિસ્તારોમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરી દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.