રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ખાબક્યો છે. નવસારીના ખેરગામ તાલુકામાં નવ, જ્યારે વલસાડના ધરમપુર અને વલસાડ તાલુકામાં સાત—સાત ઈંચ વરસાદ નોંધાયો છે.
આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 67 ટકાથી વધુ વરસાદ આવ્યો છે. આમાંથી સૌથી વધુ 86 ટકાથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં નોંધાયો છે.
જ્યારે વઘઈ અને પારડી તાલુકામાં પાંચ-પાંચ ઈંચ, વાપી, સુબિર અને ડોલવણ મળીને કુલ ત્રણ તાલુકામાં ચાર–ચાર ઈંચ તથા ઉમરગામ, તિલકવાડા અને ગણદેવી તાલુકામાં બે –બે ઈંચ વરસાદ નોંધાયો છે.
ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરની યાદી પ્રમાણે, રાજ્યમાં સવારે 6થી 12 વાગ્યા દરમિયાન 70 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ એક ઈંચ વરસાદ વલસાડનાં કપરાડા તાલુકામાં વરસ્યો છે.
નવસારી જિલ્લાના અમારા પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે, સાર્વત્રિક વરસાદના કારણે વાંસદાના બંને ડેમ ઑવરફ્લૉ થયા છે. અંબિકા નદી ભયજનક સપાટીથી ઉપર વહેતા ગણદેવી, ચિખલી અને ખેરગામ તાલુકામાં શાળા-કૉલેજ બંધ રાખવામાં આવી હતી. જ્યારે પૂર્ણા નદી ભયજનક સપાટીથી 2 ફૂટ નીચે વહી રહી છે.
પંચમહાલના અમારા પ્રતિનિધિ વિપુલ પૂરોહિત જણાવે છે કે, છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાતા મોસમનો સરેરાશ વરસાદ 39 ટકા સુધી પહોંચ્યો છે. જિલ્લામાં પોણા ચાર ઇંચ વરસાદ ખાબકતા ભૂરાવાવ, બસમથક સહિતના વિસ્તારમાં પાણી ભરાતા લોકો અટવાયા હતા.
Site Admin | ઓગસ્ટ 5, 2024 3:34 પી એમ(PM) | વરસાદ