રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા તેમજ પંચમહાલ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વરસાદ પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટર સાથે ટેલિફોનિક સંવાદ કરીને માહિતી મેળવી હતી.
મુખ્યમંત્રીએ આ સાતેય જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળોએ સ્થળાંતર કરવા તેમજ જાનમાલ, પશુધન વગેરેની સલામતી માટેના પ્રબંધન અંગે પણ સૂચના આપી હતી. ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂર પડે ત્યારે SDRF અને NDRFની ટુકડીઓ મોકલવાની બાહેંધરી આપી હતી.
રાજ્યમાં આજે બપોરના બાર વાગ્યા સુધીમાં 133 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો.. નવસારીના ખેરગામ તાલુકામાં સૌથી વધુ આઠ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડ, પારડી, સાગબારા, વાંસદા તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
Site Admin | ઓગસ્ટ 25, 2024 4:28 પી એમ(PM)
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ
