રાજ્યમાં છેલ્લાં ત્રણ દિવસથી ઠંડીએ જોર પકડ્યું છે. ઉત્તર પશ્ચિમી પવન ફંકાતા ગઈ કાલે મોસમમાં પ્રથમ વાર નલિયાનું લઘુતમ તાપમાન 6.4 ડિગ્રીએ પહોંચ્યું હતું. રાજ્યનાં કેટલાંક શહેરોમાં તાપમાન ઘટીને 10 ડિગ્રી સેલ્સિયસ પાર આવી ગયું હતું. ગઈ કાલે ડીસામાં 10.3, કંડલામાં 10.2, કેશોદમાં 10.5, વડોદરામાં 10.2, દીવમાં 11.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું, જ્યારે ભુજમાં 11.4, અમદાવાદમાં 13.7 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં અને અમરેલીમાં 13 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યનાં તમામ શહેરોમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું.
અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધી રમેશ સોલંકી જણાવે છે કે, જિલ્લામાં છેલ્લા બે દિવસથી પવન સાથેની ઠંડીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ખાસ કરીને મોડી સાંજે તેમજ વહેલી સવારે જોરદાર ઠંડી અનુભવાતા રસ્તાઓ પર લોકોની અવરજવર ઓછી થઈ ગઈ છે. જોરદાર ઠંડી પડવાની શરૂ થતાં ગરમ વસ્ત્રોના બજારમાં ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે.
અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધી સુરેશ ત્રિવેદી જણાવે છે કે, ગઈ કાલે ભાવનગરમાં ઠંડો પવન ફૂંકાતા વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું. શહેરનું મહત્તમ તાપમાન 25.2 ડીગ્રી અને લઘુત્તમ તાપમાન 14.7 ડિગ્રી રહ્યું હતું.
Site Admin | ડિસેમ્બર 11, 2024 11:27 એ એમ (AM)