રાજ્યમાં ચાંદીપુરા વાઇરસનાં કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે રાજ્યમાં વધુ 28 કેસો નોંધાયા હતા. આ સાથે કુલ કેસોની સંખ્યા વધીને 58 થઈ છે. બે દિવસમાં કેસો વધીને બમણા થયા છે. સૌથી વધુ આઠ કેસો સાબરકાંઠામાં નોંધાયા છે. પંચમહાલમાં સાત, જામનગરમાં પાંચ, અરવલ્લીમાં ચાર, મહિસાગર, ખેડા, રાજકોટ, સુરેન્દ્રનગરમાં બે કેસ નોંધાયા છે.
દરમિયાન રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલ જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં વાયરલ એનકેફેલાઇટીસનાં શંકાસ્પદ કેસોની સમીક્ષા કરી હતી.
આ પ્રસંગે ઋષિકેશ પટેલે બાળ દર્દીઓની મુલાકાત લઇ તેમના ખબર અંતર પૂછ્યા હતા. તેમજ જરૂરી ઈલાજ માટે ડોકટરો સાથે ચર્ચા વિચારણા કરી બાળકોને હોસ્પિટલમાં ક્યારે દાખલ કાર્યથી લઇ ક્યાં પ્રકારની સારવાર અપાઈ રહી છે તે તમામ બાબતોની જીણવટપૂર્વકની માહિતી મેળવી હતી.
મંત્રી પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ બાબતે દૈનિક મોનીટરીંગ તેમજ સુપરવિઝન કરી રહી છે અને જરૂરી પગલાં પણ ઉઠાવી રહી છે, તેથી કોઈએ ગભરાવવાની જરૂર નથી તેમ તેઓએ વધુમાં જણાવ્યું હતું.
Site Admin | જુલાઇ 20, 2024 9:22 એ એમ (AM) | Akashvani | akashvaninews | Gujarat | ચાંદીપુરા વાઈરસ