રાજ્યમાં ચાંદીપુરમ વાઇરસના વધતા કેસોને પગલે રાજ્ય સરકારે ત્વરિત કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક નિવેદનમા જણાવ્યું કે ચાંદીપુરમ વાઇરસ એટલે કે એન્કેફેલાઇટીસ રોગના કેસો ઝડપથી વધી રહ્યા છે. વરસાદી ઋતુમાં રેત માંખ કરડવાથી થતો આ રોગ સામાન્ય રીતે 9થી 14 વર્ષના બાળકોમાં જોવા મળી રહ્યો છે. વાઇરસના પરીક્ષણ માટે નમૂના પુણેની લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા છે. આગામી બારથી પંદર દિવસમાં તેમના પરિણામ અપેક્ષિત છે. ચાંદીપુરમના 6 શંકાસ્પદ દર્દીઓના મોત થયા હોવાનું આરોગ્યમંત્રીએ જણાવ્યું. જોકે નમૂના તપાસ બાદ જ જાણી શકાશે કે તેઓ આ વાઇરસથી સંક્રમિત હતા કે નહીં.
રાજ્યના આરોગ્ય વિભાગે આગોતરા પગલાના ભાગ રૂપે અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન તપાસ શરૂ કરી છે. અત્યાર સુધીમાં કુલ 4,487 ઘરોમાં 18 હજાર, 646 લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે. જ્યારે 2 હજાર, 93 ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં 1965માં ચાંદીપુરમ વાઇરસનો સૌ પ્રથમ કેસ નોંધાયો હતો. ગ્રામીણ વિસ્તારોમાં બાળ દર્દીઓમાં ઉંચો તાવ, ઉલ્ટી, ઝાડા, માથાનો દુખાવો, અને ખેંચ જેવા પ્રાથમિક લક્ષ્ણો જોવા મળે તેવી સ્થિતિમાં ડૉક્ટરનો સંપર્ક કરવાની સલાહ આરોગ્ય વિભાગે આપી છે.
Site Admin | જુલાઇ 15, 2024 3:09 પી એમ(PM) | ચાંદીપુરમ વાઇરસ