રાજ્યમાં ગઈકાલથી અનેક જિલ્લામાં ફરી વરસાદ વરસ્યો હતો.
મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે, મોઢેરા પર આવેલી કાવેરી શાળામાં વરસાદી પાણી ભરાતાં બાળકો અને શિક્ષકોને સલામત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. અહીં વિજાપુરમાં 4, મહેસાણામાં 3, જોતાણામાં 2 ઈંચ અને ઊંઝામાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો.
ભાવનગરના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે, ગઈકાલે શિહોરમાં 2, પાલીતાણામાં એક, ઘોઘા અને ભાવનગરમાં અડધો-અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે શહેરમાં ગઈકાલે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું.
રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાનો ભાદર બંધ પૂર્ણ સપાટીએ ભરાઈ જતાં ડેમના સાત દરવાજા ખોલવામાં આવ્યા છે. વરસાદી પાણીની આવક સતત ચાલુ રહેતા બંધ વિસ્તારના ભૂખી, ઉમરકોટ, વેગડીગોંડલ, ભંડારિયા સહિતના ગામના લોકોને નદીના પટ વિસ્તારમાં અને નીચાણવાળા વિસ્તારમાં ન જવા જિલ્લા સિંચાઈ પૂર્વ વર્તૂળ એકમે જણાવ્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 6, 2024 8:18 એ એમ (AM) | વરસાદ