રાજ્યમાં આવતીકાલે રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી કરાશે. દરમિયાન અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ભાવનગર તેમ જ મુંબઈના બોરીવલી ખાતે હસ્તકલા પ્રદર્શન અને વેચાણ મેળો યોજાશે.
અમદાવાદમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઑડીટોરીયમ ખાતે યોજાનારા પ્રદર્શન અને ઉજવણી કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય પુરસ્કાર તથા સંત કબીર પુરસ્કાર વિજેતા હાથશાળ કારીગરોનું સન્માન કરાશે. સાથે જ ગરવી ગુર્જરી એમ્પોરિયમના સ્ટાફ માટે નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈન – NID દ્વારા તૈયાર કરાયેલા નવા ગણવેશને પણ લોન્ચ કરાશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ દ્વારા વર્ષ 2024-25 દરમિયાન રાજ્યના 3 હજાર 200 જેટલા હાથશાળ કારીગરો પાસેથી પટોળા, ટાંગલિયા, આશાવલી સાડી, વૂલન શાલ, સ્ટૉલ, દુપટ્ટા, વિવિંગ ચાદર, વિવિંગ ચોરસા જેવી હાથશાળની બનાવટની ખરીદી કરીને કારીગરોને 690 લાખ રૂપિયાથી વધુની રોજગારી પૂરી પાડવામાં આવી છે. નિગમ દ્વારા ગયા વર્ષે છેલ્લા 50 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ 25 કરોડ રૂપિયાથી વધુનું વેચાણની સિદ્ધિ હાંસલ કરવામાં આવી હતી.
Site Admin | ઓગસ્ટ 6, 2024 7:08 પી એમ(PM) | હાથશાળ દિવસ