રાજ્યમાં આજે 81 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ વરસ્યો હતો.
સત્તાવાર આંકડા મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં વર્ષ 2022 પછી મોસમનો સરેરાશ કુલ 123 ટકા વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગે આવતીકાલે પંચમહાલ, વડોદરા, દાહોદ અને છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં ભારે વરસાદને કારણે નલીમખેતર ગામની ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાતા 3 ગામ સંપર્કવિહોણા બન્યા છે.
મહીસાગરના બજાજ સાગર બંધનું પાણી કડાણા બંધમાં આવતા, બંધમાં હાલ એક લાખ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે, જેથી રાત્રે 8 વાગ્યા બાદ બંધના 6 દરવાજા 4 ફૂટ ખોલી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવશે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં હાલ કુલ સંગ્રહક્ષમતાના 89 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે. હાલમાં રાજ્યના 119 બંધ 100 ટકા, 45 બંધ 70થી 100 ટકા અને 20 બંધ 50થી 70 ટકા વચ્ચે ભરાઈ ગયા છે. જ્યારે 143 બંધ હાઈ-અલર્ટ, 12 બંધ અલર્ટ અને નવ બંધને ચેતવણી પર રખાયા છે.
Site Admin | સપ્ટેમ્બર 10, 2024 7:37 પી એમ(PM) | વરસાદ