રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સત્તાવાર આંકડા મુજબ આજે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 147 જેટલા તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર ખાતે આજે રાજ્યનો સૌથી વધુ 11 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના માણાવદર, વીસાવદર, માળિયા હાટિના, દ્વારકા , ઉપલેટા પંથકોમાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના પલસાણા, બારડોલી, કામરેજ, કપરાડા, માંડવી, વાપી સહિતના પંથકોમાં પણ ચાર ઇંચથી વધુ વરસાદ થયાના અહેવાલ છે.
દેવભૂમિદ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામ ભારે વરસાદના કારણે બેટમાં ફેરવાઈ ગયું હતું. અહીં રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ એટલે કે, NDRFની ટુકડીએ તાત્કાલિક પહોંચી વાડી વિસ્તારમાં ફસાયેલા ત્રણ ખેડૂતને બચાવી લીધા હતા. વાયુસેનાના હેલિકૉપ્ટર દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે જામનગર જિલ્લાનો રૂપાવટી ડેમ 80 ટકા ભરાઈ જતાં નીચાણવાળા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ-મિલકતને સલામત સ્થળે ખસેડવા અપીલ કરવામાં આવી છે.
Site Admin | જુલાઇ 22, 2024 7:52 પી એમ(PM) | વરસાદ