ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 22, 2024 3:50 પી એમ(PM) | વરસાદ

printer

રાજ્યમાં આજે સવારે 6 થી 12 વાગ્યા દરમિયાન 108 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો

રાજ્યમાં આજે સવારે 6 થી 12 વાગ્યા દરમિયાન 108 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ, રાજ્યના 108 જેટલા તાલુકાઓમાં આજે હળવોથી ભારે વરસાદ નોંધાયો છે. આમાંથી સૌથી વધારે 11 ઈંચ વરસાદ દેવભૂમિદ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસ્યો. જૂનાગઢ જિલ્લાના માણાવદર, અને માળિયા હાટીનામાં પાંચ ઇંચથી વધુ વરસાદ થયાના અહેવાલ છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ ઉપરાંત રાજકોટ, ગીરસોમનાથ, પોરબંદર, તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારીમાં આજે ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો.
દેવભૂમિદ્વારકાના અમારા પ્રતિનિધિ કરણ જોષી જણાવે છે કે, કલ્યાણપુર તાલુકાના માલેતા ગામમાં ચાર કલાકમાં 15 ઈંચ વરસાદ થતાં આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું.
સુરતનાં અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે, ડુંભાલના ઓમનગરમાં વરસાદી પાણીનો ભરાવો થઈ જતાં વાહનચાલકો અને સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી થઈ હતી.
ભરૂચના અમારા પ્રતિનિધિ વાહીદ મશહદી જણાવે છે કે, જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ સાડા ચાર ઈંચ વરસાદ અંકલેશ્વર તાલુકામાં નોંધાયો હતો. જ્યારે નેત્રંગ અને વાલિયામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.
ભાવનગરના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે, જિલ્લાના ઘોઘામાં અઢી ઈંચ, તળાજામાં દોઢ ઈંચ, ભાવનગર શહેર, સિહોર અને મહુવામાં અડધો-અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.
અમરેલીના અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે, બપોર બાદ રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. 3 કલાકમાં પોણા બે ઇંચ વરસાદ થતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે છતડીયા રોડ, ભેરાઈ રોડ સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.
કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટ્ટણી જણાવે છે કે, જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદી ઝાપટાં શરૂ થયા છે. અબડાસાના મુખ્ય મથક નલિયામાં એક ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ