રાજ્યભરમાં આવતીકાલથી ત્રણ દિવસ ક્યાંક ભારેથી અતિભારે તો કેટલાક જીલ્લાઓમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત કચ્છ અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં તો દમણ- દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો આણંદ અને વડોદરામાં પણ બે દિવસ બાદ ભારે વરસાદ પડે તેવી શક્યતા દર્શાવી છે.
દક્ષિણ ગુજરાતમાં આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ છે.. જેથી, નદી નાળાઓ છલકાઇ ગયા છે અને જિલ્લાની તમામ લોકમાતાઓ બંને કાંઠે વહેતા ઘોડાપૂર આવ્યા હતા.. વલસાડ તાલુકામાં 7 ઇંચ, ધરમપુરમાં 6 ઇંચ, પારડીમાં 5 ઇંચ, કપરાડામાં 6 ઇંચ, ઉમરગામમાં 2 અને વાપીમાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો.. ભારે વરસાદને કારણે જીલ્લાના અંદાજે 116 જેટલા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતરિત કરાયા છે. તેમજ નદીનાળાઓ પરથી પસાર થતાં ભારે વાહનોને નદી નહીં ઓળંગવા માટે તંત્ર દ્વારા તાકિદ કરવામાં આવી છે.
નવસારીના ખેરગામમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મૂશળધાર વરસાદને પગલે પૂર્ણા નદી ગાંડીતૂર બની છે.. સાથે જીલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે.. તંત્ર દ્વારા નદી કાંઠે આવેલા તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ડાંગ જીલ્લામાં ભારે વરસાદને કારણે અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે અંબિકા નદીમાં જળસ્તર વધતાં નદીના પ્રવાહમાં 10 જેટલા પશુ તણાયા હતા.. તો જિલ્લાના 10 કોઝ-વે ઉપર પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ કરાયો છે. ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને કારણે 16 માર્ગો બંધ છે.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સાડા પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.. જ્યારે ગરુડેશ્વર, તિલકવાડા, નાંદોદ અને ડેડિયાપાડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સતત બે દિવસથી વરસેલા ભારે વરસાદને કારણે સાગબારા તાલુકાનું નરવાડી ગામ સંપર્ક વિહોણું બન્યું છે.
ભરુચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. જીલ્લાના નદી-નાળા, તળાવ અને ચેકડેમ વરસાદી પાણીથી છલકાયા છે.
પાટણમાં સરસ્વતી તાલુકામાં છેલ્લા 24 કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે ચાણસ્મામાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ થયો હતો. આજે દિવસ દરમિયાન શહેરમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં વરસ્યા હતા.
તાપીમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે જીલ્લાના અગ્ણોસિત્તેર (69) માર્ગો બંધ કરાયા છે.. કુકરમુંડા તાલુકાના ગોરાસા ગામે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઇ છે. કુકરમુંડા તાલુકાના અનેક ગામોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયાં.. ગોરાસા ગામમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી જતાં ઘરવખરીને નુકશાન થયું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આજ સવારથી અત્યાર સુધીમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
મહીસાગર જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે..
રાજકોટ જીલ્લામાં આજે સાત ઇંચ વરસાદ વરસ્યો..
Site Admin | ઓગસ્ટ 25, 2024 7:36 પી એમ(PM)