હવામાન વિભાગે આગામી 24 કલાક રાજ્યમાં ગરમી યથાવત્ રહેવાની આગાહી કરી છે. ત્યારબાદ તાપમાનમાં બે-થી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. જ્યારે રાજ્યના કેટલાક ભાગ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે અને આવતીકાલે અતિશય ગરમીનું મોજું ફરી વળવાની—હિટવૅવની પણ સંભાવના છે. દરમિયાન દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પવનની ઝડપ 45થી 50 કિલોમીટરની રહેવાની હોવાથી માછીમારોને ચેતવણી અપાઈ છે. તેમ હવામાન વિભાગના નિયામક ડૉ. એ. કે. દાસે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગત 24 કલાકમાં સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયું હતું. જ્યારે અમરેલી અને રાજકોટમાં 44 ડિગ્રી, કચ્છના ભુજ, કંડલા હવાઈમથક, મહુવા, કેશોદ, અમદાવાદ અને ડીસામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.