રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ઘટવાને કારણે ઠંડી વધશે, તેવી હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે. જો કે આ ઘટાડો ચારથી પાંચ દિવસ દરમિયાન યથાવત રહેશે. ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થવાની શક્યતાને કારણે ઠંડીનું જોર ઘટી શકે છે, તેમ હવામાન શાસ્ત્રી પ્રદીપ શર્માએ જણાવ્યું હતું.
કચ્છમાં છેલ્લા બે દિવસથી પારો ગગડતા ઠંડીનો ચમકારો વધ્યો છે. દેશના ઉત્તરીય પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાની અસર તળે કચ્છમાં પણ પવનની દિશા બદલાતા માહોલમાં શિત લહેર પ્રસરી ગઇ છે.
વલસાડ-જિલ્લામાં લઘુતમ તાપમાન 13 ડિગ્રી પર જતા ઠંડી વધી હતી. વાપી અને વલસાડમાં પણ ગત સપ્તાહની સરખામણીમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. વાપીમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને વલસાડમાં 28 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાનનો પારો 17 ડિગ્રી સુધી આવી ગયો છે.