ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 16, 2024 4:15 પી એમ(PM) | વરસાદ

printer

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 32 ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 32 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 39.74 ટકા વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં, વરસ્યો છે.જ્યારે કચ્છ ઝોનમાં ૩૯.૧૦ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૩૭.૬૫, પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં ૨૨.૨૬ જયારે ઉત્તર ગુજરાત ઝોનમાં ૨૧.૫૨ ટકા વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરની યાદી પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 108 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ 14 ઈંચ વરસાદ સુરતના ઉમરપાડામાં નોંધાયો છે. આજે સવારે 6 વાગે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં 7 અને નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર, નાંદોદ તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં અને નવસારીના ચીખલી તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. રાજ્યના પાંચ તાલુકામાં ચાર ઈંચથી વધુ, છ તાલુકામાં 3 ઈંચથી વધુ અને 21 તાલુકામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
આજે સવારે છ થી બપોરના 12 વાગ્યા સુધીમાં 25 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સવા ઇંચ વરસાદ માળિયાહાટીના અને ઉમરગામ તાલુકામાં પડ્યો છે. જ્યારે વલસાડ, માંગરોળ અને સુત્રાપાડામાં એકથી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.
અમારા નવસારી જિલ્લાના પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે ચીખલીમાં આજે સવારે 4 થી 6 વાગ્યા સુધીના 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો. નવસારીમાં રાત્રે 10 થી 12 વાગ્યા દરમિયાન દોઢ ઇંચ, જલાલપોરમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.
અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે ઉપરવાસમાં પડેલા સારા વરસાદને પગલે ઉકાઇ ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે, હાલ ડેમ માં 21,004 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે જ્યારે ડેમમાંથી 600 ક્યુસેક પાણી કેનાલ મારફતે છોડવામાં આવી રહ્યું છે જેને પગલે હાલ તેમની સપાટી 310.63 ફૂટ પર પહોંચી છે, ઉલ્લેખનીય છેકે ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટની છે, પરંતુ ડેમ સતત ભરવાના લઈને દક્ષિણ ગુજરાત માટે એક મોટા રાહતના સમાચાર છે.
ભાવનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે પાલીતાણામાં આવેલ સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા શેત્રુંજય ડેમમાં ઉપરવાસના વરસાદને કારણે સપાટી વધીને 18.10 ફુટે પહોંચી છે. હજુ પણ ડેમમાં 34 હજાર 110 ક્યુસેક પાણીની આવક શરૂ હોવાનું જાણવા મળેલ છે.
મહેસાણા જિલ્લાના અમારા પ્રતિનિધિ જયંતી ચૌધરી જણાવે છે મહેસાણામાં 2 ઇંચ ,બેચરાજી માં દોઢ ઇંચ અને ખેરાલુ તેમજ જોતાણા ખાતે એક એક ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે વિસનગર, વડનગર અને વિજાપુરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ