રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો 55.93 ટકા વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. આમાંથી સૌથી વધુ 75.69 ટકા વરસાદ કચ્છ જિલ્લામાં વર્સ્યો છે. જ્યારે સૌથી ઓછો 30.12 ટકા વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે. સત્તાવાર આંકડા મુજબ, અત્યાર સુધીમાં 34 તાલુકામાં સરેરાશ 39 ઈંચ અને 43 તાલુકામાં 20થી 39 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
ગાંધીનગરના માણસા તાલુકામાં સવારે 11 વાગ્યા સુધી ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને પગલે ઈટાદરા, સોલૈયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જ્યારે માણસા-ગાંધીનગર હાઈ-વે પર દ્રશ્યતા ઘટી જતાં વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. તો આ તરફ ખેડૂતો વાવણીમાં જોડાઈ ગયા છે.
પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધી મોસમનો 31 ટકા વરસાદ નોંધાયો છે અને 1 લાખ 52 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. પાનમ ડેમમાં પણ નવા નીર ની આવક નહીવત્ હોવાથી તે 52 ટકા જેટલો જ ભરાયો છે. હજી ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.
મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી મેઘ મહેરને પગલે હાલોલ શામળાજી હાઈ-વે પર પાણી ભરાતા તેમજ ખાનપુર લીમડિયા હાઈ-વે પર વૃક્ષો ધરાશાયી થયા હતા, માર્ગ બંધ થઈ જતાં તંત્રએ સ્થળ પર જઈ માર્ગ વ્યવહાર પૂર્વવત્ કરાવ્યો હતો. જીલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં 4 ઈંચ અને સંતરામપુરમાં 5 ઈંચ વરસાદને લઈ ચીબોટ નદી બે કાંઠે વહી રહી છે જેના કારણે રાજ્યના 8 જીલ્લા માટે જીવાદોરી સમાન કડાણા ડેમમાં પણ 6 હજાર કયુસેક પાણીની આવકને લઈ કડાણા ડેમની જળ સપાટી વધી રહી છે.
Site Admin | જુલાઇ 29, 2024 3:48 પી એમ(PM) | વરસાદ