રાજ્યભરમાં હરઘર તિરંગા અભિયાનની ઉજવણી થઈ રહી છે.
મહેસાણાના વિસનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજાઇ. રેલવે પોલીસે પણ હરઘર તિરંગા કાર્યક્રમ યોજ્યો હતો.
સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં ઈડર આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજથી નગરપાલિકા સુધી યોજાયેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઈડરના ધારાસભ્ય, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ સહિત શહેરીજનો જોડાયા હતા.
જામનગરના જામજોધપુર ખાતે રાજ્યમંત્રી મુળૂભાઈ બેરા સહિતના રાજકીય આગેવાન અને વહિવટી તંત્રના ઉચ્ચઅધિકારીઓ, સ્થાનિકો અને સામાજિક આગેવાનો સહિત 2 હજાર 200થી વધુ લોકો હરઘર તિરંગા યાત્રામાં જોડાયા હતા.
ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલા આલીદર ગામમાં ગ્રામજનો, ખેડૂત ભાઈ-બહેનો, સ્થાનિક આગેવાનો સાથે હરઘર તિરંગા યાત્રા યોજાઈ ગઈ.
સુરતમાં બાલાજી ગર્લ્સ હાઇસ્કૂલ ભાગળ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી રંગોળી સ્પર્ધામાં 415 જેટલા વિદ્યાર્થીએ ભાગ લીધો હતો.
તાપી જિલ્લાના સોનગઢ ખાતે પોલીસ વિભાગે યોજેલી રેલીમાં બેન્ડ દ્વારા દેશભક્તિની ધૂન રજૂ કરવામાં આવી હતી.
કચ્છ જિલ્લા વહીવટી તંત્રે યોજેલી યાત્રામાં સાંસદ વિનોદ ચાવડા તેમ જ અન્ય સ્થાનિક આગેવાનો સહિત 3 હજારથી વધુ લોકો જોડાયા હતા.
દમણમાં પણ નગરપાલિકા અને જિલ્લા પંચાયત દ્વારા આ અભિયાન અંતર્ગત નમો પથથી બસમથક સુધી બાઈક રેલી યોજવામાં આવી હતી.
નવસારી જિલ્લાના બીલીમોરામાં જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં ૭૫ મીટરના રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા યોજાઇ.
નર્મદા જિલ્લાના રાજપીપળા નગરમાં નાંદોદ ધારાસભ્ય ડો. દર્શના દેશમુખની વિશેષ ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત તમામ મહાપુરુષોની પ્રતિમાની સફાઈ કરી તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આમ, હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રવૃત્તિ થકી વિવિધ જિલ્લામાં અત્યાર સુધી 16 લાખ 47 હજાર જેટલા તિરંગાનું વિતરણ પણ કરાયું છે.
Site Admin | ઓગસ્ટ 12, 2024 3:52 પી એમ(PM) | હરઘર તિરંગા અભિયાન