ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 25, 2024 11:15 એ એમ (AM)

printer

રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં અતિભારે વરસાદથી જનજીવન ખોરવાયું

રાજ્યભરમાં ગઈ કાલે અનેક જિલ્લાઓમાં સમગ્ર દિવસ દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.
સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતનાં કેટલાંક જિલ્લાઓમાં અનરાધાર વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે, તો અનેક ડેમો અને જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. જો કે, રાત્રિ દરમિયાન આ જિલ્લાઓમાં વરસાદે વિરામ લીધો હતો. વરસાદને કારણે સર્જાયેલી વિવિધ ઘટનાઓમાં રાજ્યમાં અત્યાર સુધી નવ વ્યક્તિનાં મૃત્યુ થયા છે.
પુરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાષ્ટ્રીય આપત્તિ બચાવ દળ-એનડીઆરએફની ટૂકડીઓની મદદ લેવામાં આવી છે. હાલમાં પુરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની 14 અને એસડીઆરએફની 20 ટૂકડીઓ ગોઠવવામાં આવી છે, જ્યારે એનડીઆરએફની બે ટુકડીઓ તૈયાર રાખવામાં આવી છે.
ગઈ કાલે સવારના છ વાગ્યાથી આજે સવારે ચાર વાગ્યા સુધીમાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ આણંદ જિલ્લાનાં બોરસદમાં નોંધાયો હતો.
વડોદરા તાલુકામાં આઠ ઇંચ વરસાદ પડ્યો હતો. નર્મદા જિલ્લાનાં તિલકવાડા તાલુકા અને પાદરા તાલુકામાં પણ આઠ-આઠ ઇંચ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વડોદરામાં આજે શાળા-કોલેજો બંધ રહેશે.
અમારા સુરત જિલ્લાના પ્રતિનિધી લોપા દરબાર જણાવે છે કે, માંડવી તાલુકાના ગાંગપુરનાં મોરણખાડી ડેમનાં હેઠવાસમાં પાણીના વહેણમાં માછલી પકડવા ગયેલી બે વ્યક્તિ તણાઈ ગઈ હતી, જેમાંથી એકની લાશ મળી આવી છે.
અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધી કૌશિક જોષી જણાવે છે કે, વિરપુર શહેરમાં ભારે વરસાદને પગલે લાવરી પુર આવતાં દરગાહ તરફ જવાનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે.
પાટણ જિલ્લામાં લાંબા સમય બાદ ગઇ કાલે સમી હારીજ પંથકમાં બે ઇંચ વરસાદ પડતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી હતી. સાંજે છથી આઠ દરમિયાન હારીજમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.
અમારા નવસારી જિલ્લાના પ્રતિનિધી અશોક પટેલ જણાવે છે કે, બુધવારે સવારે 6 થી આજે સવારે 6 વાગ્યાના સુધી નવસારીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે પૂર્ણા નદી બે કાંઠે વહે રહી છે. પૂર્ણા નદીની જળસપાટી આજે સવારે 6 વાગ્યે ભયજનક સપાટીથી બે મીટર નીચે છે, જ્યારે અંબિકા અને કાવેરી નદીમાં પાણી ઓસરી રહ્યા છે. આ બંને નદીઓ ભયજનક સપાટીથી ઘણી નીચે વહી રહી છે.
દરમિયાન, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશનની યાદી મુજબ, રાજ્યમાં ગઈ કાલે સાંજ સુધીમાં 18 ઇંચ સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે, જે મોસમનાં કુલ સરેરાશ વરસાદનાં 52 ટકા છે. સૌથી વધુ 75 ટકા વરસાદ કચ્છ ઝોનમાં નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં ૭૩ ટકા અને દક્ષિણ ગુજરાતમાં મોસમનો ૬૨ ટકા વરસાદ નોંધાયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં ૩૧ ટકા અને ઉત્તર ગુજરાતમાં 27 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યનાં 74 તાલુકાઓમાં આ મોસમમાં 20 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.
હવામાન ખાતાએ સૌરાષ્ટ્રનાં બે અને દક્ષિણ ગુજરાતનાં પાંચ જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે..
દરમિયાન, ભારે વરસાદને કારણે રેલવે વ્યવહાર પર અસર પડી છે. કેટલીક ટ્રેન રદ કરવામાં આવી છે, તો કેટલીક ટ્રેનને આંશિક રદ કરવામાં આવી છે.
મહેસાણા-પાલનપુર વિભાગમાં ધારેવાડા-સિદ્ધપુર-છાપી સ્ટેશન વચ્ચે સમારકામ સંદર્ભે પશ્ચિમ રેલવેની 26 ટ્રેનને અસર થઈ છે. આમાંથી મહેસાણા-આબૂરોડ ડેમુ સ્પેશિયલ 25થી 29 જુલાઈ અને આબૂરોડ-મહેસાણે ડેમુ સ્પેશિયલ ટ્રેન 26 થી 30 જુલાઈ દરમિયાન સંપૂર્ણપણે રદ રહેવાનું પશ્ચિમ રેલવેએ જણાવ્યું છે. જ્યારે જોધપુર-સાબરમતી એક્સપ્રેસ 29 જુલાઈએ આબૂરોડ અને સાબરમતી વચ્ચે અને સાબરમતી-જોધપુર એક્સપ્રેસ સાબરમતી અને આબુરોડ વચ્ચે આંશિક રદ રહેશે.
ગઈ કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં વ્યાપક અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.
આ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ભારે વરસાદને પરિણામે જે જિલ્લાઓ-વિસ્તારોમાં પાણી ભરાયા છે અને માલ-મિલકતને નુકસાન થયું છે ત્યાં બચાવ અને રાહત કામગીરીમાં જિલ્લા તંત્રના માર્ગદર્શન માટે સંબંધિત જિલ્લાના પ્રભારી મંત્રીઓને પહોંચી જવાની સૂચનાઓ આપવામાં આવી છે. બેઠકમાં રસ્તા, ડેમ, વીજળી, પાણી પુરવઠો, ખેતીવાડીને થયેલાં નુકસાન સહિતની બાબતોની પણ સમીક્ષા થઈ હતી. ભારે વરસાદને પગલે અનેક ડેમ અને નદી નાળામાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં એક લાખ 82 હજાર 444 એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો સંગ્રહ થયો છે, જે કુલ ક્ષમતાના ૫૪.૬૧ ટકા છે.
રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં કુલ પાણીનો જથ્થો ૪૨ ટકા છે. કુલ ક્ષમતાના ૧૦૦ ટકા ભરાયેલા ડેમની સંખ્યા ૪૬, ૭૦થી ૧૦૦ ટકા ભરાયેલા ડેમની સંખ્યા ૨૫, ૫૦ થી ૭૦ ટકા ભરાયેલા ડેમની સંખ્યા ૪૧, ૨૫ ટકાથી નીચે ભરાયેલા ડેમની સંખ્યા ૬૯ છે.
ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમા રાજ્યના ૭ જિલ્લામાંથી કુલ ૪,૨૩૮ નાગરિકોનું સ્થળાંતર તથા ૫૩૫ નાગરિકોને બચાવવામાં આવ્યા છે. હવામાન વિભાગે માછીમારોને ૨૮ જુલાઇ સુધી દરિયો નહી ખેડવા સૂચના આપવામાં આવી છે.
વરસાદને પગલે વીજળીના કારણે ૫૮૧૭ ગામડાઓ પૈકી ૫૭૯૬ , ૧૧૩૫૮ ફીડર પૈકી ૧૧૦૩૭, ૫૨૫૫ થાંભલા પૈકી ૪૨૧૧ અને ૩૧૭ ટ્રાન્સફોર્મર સેન્ટર પૈકી ૧૮૪ પૂર્વવત કરાયા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ