રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું. ક્યાંક સતાયુ મતદારોએ તો ક્યાંક લગ્નગ્રંથિમાં જોડાતાં પહેલાં યુવાનોએ મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી.
મહેસાણામાં વડનગર નગરપાલિકાની ચૂંટણીમાં 100 વર્ષથી વધુ વયના મતદાર ઓધારજી ઠાકોરે મતદાન કરી મતદાનનો વિશેષ સંદેશ આપ્યો હતો.
જ્યારે જામનગરમાં 92 વર્ષનાં નિર્મળાબેન વોરા વ્હીલચેરના સહારે પહોંચી મતદાન કર્યું. તો ધ્રોલના એક યુવકે પોતાના લગ્ન પહેલાં મતદાનની ફરજ નિભાવી હતી.
ભાવનગરમાં પણ એક મહિલાએ લગ્ન બાદ તરત જ મતદાન કર્યું.
છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરવા દિવ્યાંગ મહિલા પરિવારજનો સાથે માલવાહક રિક્ષામાં મતકાન કેન્દ્ર સુધી પહોંચ્યાં. જિલ્લામાં પ્રથમ વખત મતદાન કરનારાં ધ્રુમા ચૌહાણે આનંદ વ્યક્ત કર્યો હતો.
પંચમહાલમાં કાલોલના મોગલવાડા વિસ્તારમાં રહેતાં 75 વર્ષનાં મહેકુંજાબીબી ઈસુબભાઈ શેખે મતદાન કરી સૌને મતદાનની ફરજ નિભાવવા અનુરોધ કર્યો.
ભરૂચમાં જંબુસર નગર સેવાસદનના વૉર્ડ નંબર એક, જિલ્લા પંચાયતની આછોદ બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ.
ખેડામાં સાંજે 5 વાગ્યા સુધીમાં ચકલાસીમાં 77.29, મહુધામાં 64.94, ખેડામાં 64.42, મહેમદાવાદમાં 58.25 અને ડાકોરમાં 55.58 ટકા સરેરાશ
મતદાન નોંધાયું હતું. જ્યારે કઠલાલ તાલુકા પંચાયતમાં 60.67 અને કપડવંજ તાલુકા પંચાયતમાં 61.46 ટકા સરેરાશ મતદાન થયું.
સુરેન્દ્રનગરની થાનગઢ નગરપાલિકામાં સરેરાશ 54.73 ટકા મતદાન થયું.
બોટાદમાં બોટાદ નગરપાલિકામાં માત્ર 27.09 ટકા અને ગઢડા નગરપાલિકામાં 57.43 ટકા મતદાન નોંધાયું.
મહીસાગરની લુણાવાડા નગરપાલિકામાં સરેરાશ 59.93 ટકા મતદાન થયું.
ડાંગમાં સુબીર તાલુકા પંચાયતમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 44.72 ટકા સરેરાશ મતદાન નોંધાયું છે.
તાપીની સોનગઢ નગરપાલિકામાં સરેરાશ 58.54 ટકા મતદાન થયું છે.
જુનાગઢ મહાનગરપાલિકામાં અત્યાર સુધી સરેરાશ 39.8 ટકા મતદાન નોંધાયાના અહેવાલ છે.
ઉલ્લેખનીય છે કે, જુનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા સાથે ત્રણ તાલુકા પંચાયત માટેના આજના મતદાન થકી 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં કેદ થયું છે.
જુનાગઢ મહાનગરપાલિકામાં આઠ બેઠક અગાઉથી જ બિનહરીફ થઈ ગઈ છે. જ્યારે 66 નગરપાલિકાના 24 વૉર્ડ પણ બિનહરીફ જાહેર થયા છે. આજે કેટલીક જગ્યાએ ઈલેક્ટ્રૉનિક વૉટિંગ મશીન- EVM ખોટકાયાની પણ ઘટના સામે આવી હતી. મંગળવારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.
Site Admin | ફેબ્રુવારી 16, 2025 7:50 પી એમ(PM)
રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું
