ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 16, 2025 3:36 પી એમ(PM)

printer

રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે

રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા પણ મતદાનમથકો પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
સાબરકાંઠાના અમારા પ્રતિનિધિ યોગેશ સથવારા જણાવે છે, પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં મતદાન માટે મતદારોની લાંબી કતાર લાગી છે.
પંચમહાલના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે, હાલોલ નગરપાલિકાના કુલ નવ વૉર્ડની 36 બેઠક માટે અત્યાર સુધીમાં સરેરાશ મતદાન 16.58 ટકા, કાલોલ નગરપાલિકાના સાત વૉર્ડની 28 બેઠક માટે 20.89 ટકા સરેરાશ મતદાન નોંધાયું છે. જ્યારે ગોધરા નગરપાલિકાના વૉર્ડ નંબર સાતની એક બેઠક માટે સરેરાશ 4.44 ટકા મતદાન થયું છે. ગોધરાનાં 75 વર્ષનાં મતદાર રુકૈયાબેન ટીલડીએ પોતાના પરિવાર સાથે મતદાન કરી યુવાનોને પ્રેરણા પૂરી પાડી હતી.
બોટાદના અમારા પ્રતિનિધિ પ્રકાશ ભિમાણી જણાવે છે, જિલ્લાની 34 બેઠક માટે 77 બૂથ પર મતદાન થઈ રહ્યું છે. યુવાનો, મહિલાઓ અને 100 વર્ષ સુધીની વયનાં મતદાર મતદાનમથકે પહોંચી રહ્યાં છે.
અમરેલીમાં નગરપાલિકાની 2 બેઠક, દામનગર 2 બેઠક, સાવરકુંડલા એક બેઠક અને ધારી તાલુકા પંચાયતની એક બેઠકનું મતદાન ચાલી રહ્યું છે. સાવરકુંડલાની પેટા-ચૂંટણીમાં આયુર્વેદ તબીબ લગ્ન પહેલા મતદાન કરવા મતદાન કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. દરમિયાન તેમણે દરેક મતદારને મતદાનની અપીલ પણ કરી હતી.
પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે બપોરે 1 વાગ્યા સુધીમાં ચાણસ્મા નગરપાલિકા માટે 42.78 ટકા મતદાન થયું છે. તો હારીજ નગરપાલિકામાં 44.97 ટકા, રાધનપુર નગરપાલિકા માટે 33.98 અને સિદ્ધપુર નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં 15.11 અને વોર્ડ નંબર 7 માં 18.88 ટકા મતદાન નોંધાયું છે.
પોરબંદરના અમારા પ્રતિનિધિ મહેશ લુક્કા જણાવે છે, જિલ્લાના રાણાવાવ અને કુતિયાણા બંને શહેરની નગરપાલિકાની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે લોકો મતદાન કરી રહ્યા છે. બપોરે 11:00 વાગ્યા સુધીમાં કુતિયાણામાં 23.21 ટકા અને રાણાવાવમાં 18.12 ટકા મતદાન થયું છે.
સુરેન્દ્રનગરના અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે, બપોરે 11 વાગ્યા સુધી થાનગઢ નગરપાલિકા માટે 19.98 ટકા, લીંબડી નગરપાલિકાના વોર્ડ નંબર 1 માટે 9.51 ટકા તથા ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર માટે 14.12 ટકા મતદાન થયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ