રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી હેઠળ આજે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને મહેસાણા ખાતે જિલ્લાના ૧૦ કરોડથી વધુના ૧૬૧ વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
છોટાઉદેપુર ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારે ૭૨.૭૬ કરોડના ૧૭૭ વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ હતું.
રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહે મોરબીમાં સ્કાય મોલ ખાતે જિલ્લાનાં ૩૬ કરોડથી વધુનાં ૧૩ વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યું હતું.
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત સ્ટેચ્યૂ ઑફ યુનિટી પરિસરમાં વિવિધ પ્રવાસ સ્થળોને રંગબેરંગી લાઇટિંગથી શણગારવામાં આવ્યા છે. જેને કારણે આ સ્થળો પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
અમદાવાદના બાવળા ખાતે I-Create પરિસરમાં ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી અંતર્ગત વર્ચ્યુઅલ સેમિનાર યોજાયો હતો. જેમાં માહિતી ખાતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ’23 વર્ષ સફળ, સબળ અને સમર્થ નેતૃત્ત્વના’ પુસ્તકનું વિતરણ કર્યું.
તાપીથી અમારાં પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે, જિલ્લાના વ્યારામાં સયાજી ગ્રાઉન્ડથી વિકાસ પદ યાત્રા નીકળી હતી. આ પદયાત્રાની શરૂઆત ભારત વિકાસ પ્રતિજ્ઞા લઈ કરવામાં આવી હતી. આ પદયાત્રામાં પોલીસ બેન્ડ, પ્લેકાર્ડ સાથેના નાગરિકો, અને અધિકારીઓના જોડાયા હતા.
જામનગરથી અમારાં પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે, વિકાસ સપ્તાહ ૨૦૨૪ અંતર્ગત શહેરની એમ.પી.શાહ કોમર્સ કોલેજ ખાતે સ્ટાર્ટઅપ ટોકનું આયોજન કરાયું. જેમાં ૮૨ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જામનગરના કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામે સર્વ રોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરાયું હતુ.
નડિયાદ ખાતે શ્રીસંતરામ કેળવણી મંદિરથી સરદાર પટેલ જન્મસ્થળ સ્મારક સુધી વિકાસ પદયાત્રા યોજાઈ. જેમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
વિકાસ સપ્તાહની ઉજવણી હેઠળ કચ્છના આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કુપોષણને ઘટાડવા માટે ગૃહ મુલાકાત દ્વારા સગર્ભા માતાઓને કેવા પ્રકારનો ખોરાક લેવો તેની જાણકારી આપવામાં આવી હતી. રાપર નગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાએ યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. યુવાવર્ગની સહભાગીતા માટે શાળામાં ચિત્ર સ્પર્ધા તથા સ્વચ્છતા રેલી યોજાઇ હતી. વેસ્ટ ટુ બેસ્ટ ઇવેન્ટના આયોજન સાથે શહેરમાં જુદા જુદા સ્થળોએ ભીંતચિત્રો દોરવામાં આવ્યા હતા.