રાજ્યભરમાં વરસાદનું જોર ઘટ્યું છે. રાજ્યના મોટાભાગના જળાશયો નવા નીરથી છલકાયા છે. ત્યારે મહિસાગર જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે કડાણા ડેમમાંથી મધ્યરાત્રિએ 1 લાખ ક્યુસેક પાણી મહિસાગર નદીમાં છોડવામાં આવ્યું છે. કડાણા ડેમના 6 ગેટ 6 ફૂટ ખુલ્લા કરવામાં આવ્યા છે. બજાજ સાગર ડેમમાંથી પાણી છોડાતા કડાણા ડેમમાં પાણીની આવક વધી છે. મહીસાગર નદીકાંઠાના ગામોને ચેતવણી અપાઇ છે.
અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે આજે સવારથી વરસાદી માહોલમાં જિલ્લાના ભિલોડા અને મોડાસામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બપોર બાદ પણ મોડાસા આસપાસ વરસાદ વરસ્યો હતો. તેઓ જણાવે છે કે ભાદરવી પૂનમના મેળા માટે જતા પદયાત્રીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લા આર.ટી.ઓ. વિભાગ દ્વારા પદયાત્રીઓ માટે વિસામાની શરૂઆત કરાઇ છે. પદયાત્રીઓ માટે ચા-નાસ્તા સહિત દવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.