રાજ્યભરમાં નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
તાપી જિલ્લામાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે મહિલા રોજગાર મેળો યોજાયો હતો. જેમાં વિવિધ ૭ કંપની ૨૩૦ જેટલી વેકેન્સીઓ સાથે આ ભરતી મેળામાં જોડાઇ હતી. દરમિયાન ૧૦૦ થી વધુ મહિલાની વિવિધ કંપનીમાં પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં નારી વંદન ઉત્સવની ઉજવણી અંતર્ગત એમ.પી.શાહ કોમર્સ કોલેજ ખાતે જિલ્લા કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર સંબંધિત તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ચાલતી યોજનાઓ વિશેની જાણકારી આપવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કોલેજની વિશેષ સિદ્ધિ મેળવનાર બાળાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સોમપુરા વાડી, વઢવાણ ખાતે મહિલા સુરક્ષા દિનની ઉજવણી અન્વયે ઘરેલુ હિંસા માર્ગદર્શન સેમિનાર પણ યોજવામાં આવ્યો હતો.