રાજ્યભરમાં આજથી “હરઘર તિરંગા” અભિયાનની ઉજવણીનો પ્રારંભ થયો છે.
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં “હર ઘર તિરંગા” અભિયાન હેઠળ દમણ નગરપાલિકા દ્વારા 104 ફિટ લંબાઈ ધરાવતા તિરંગા સાથે તિરંગા યાત્રા યોજાઈ. દરમિયાન બીચની સફાઈ પણ કરવામાં આવી હતી.
ગીરસોમનાથ જિલ્લામાં સૂત્રાપાડા તાલુકાના લોઢવા ગામમાં કન્યાશાળાથી ગામના મુખ્ય ચોક સુધી તિરંગા યાત્રા યોજાઈ ગઈ. આ યાત્રામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમ જ આ પ્રસંગે શાળામાં ચિત્ર અને રંગોળી વેશભૂષા જેવી સ્પર્ધા યોજાઈ ગઈ. ઉપરાંત સૂત્રાપાડા તાલુકા પંચાયત કચેરી ખાતે “સિગ્નેચર અભિયાન” યોજાયું હતું.
સુરેન્દ્રનગર જિલ્લામાં એમ. પી. શાહ આર્ટ્સ એન્ડ સાઈન્સ મહાવિદ્યાલયથી જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી તિરંગા યાત્રામાં યોજાઈ હતી. આ યાત્રામાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, કલેક્ટર સહિતના મહાનુભાવો તેમ જ 3 હજાર 500 લોકો જોડાયા હતા. જિલ્લામાં ઠેરઠેર યાત્રાના માર્ગ પર તિરંગા યાત્રાનું સ્વાગત કરાયું હતું.
દાહોદના ઝાલોદમાં આંગણવાડીના બાળકોએ પણ “હરઘર તિરંગા” અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજી હતી. યાત્રામાં બાળકો રાષ્ટ્રધ્વજને હાથમાં લઈ ગામના લોકોને અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી હતી.
નવસારી જિલ્લાના પ્રાથમિક શાળાના બાળકોએ “હરઘર તિરંગા” અભિયાન અંતર્ગત લોકજાગૃતિ માટે માનવ આકૃતિ દ્વારા “હરઘર તિરંગા” અને “અશોક ચક્ર”ની મનમોહક કલાકૃતિ બનાવી હતી.
Site Admin | ઓગસ્ટ 10, 2024 3:28 પી એમ(PM)