ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 5, 2024 8:07 પી એમ(PM) | શ્રાવણ માસ

printer

રાજ્યભરમાં આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ – શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે આજે સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં વહેલી સવારથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા હતા. મંદિરના પરિસરમાં પાલખીયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. શ્રાવણ માસના પ્રથમ સોમવારની સંધ્યાએ સોમનાથ મહાદેવને વિશેષ બિલ્વપત્ર શ્રૃંગાર કરાયો છે. જય સોમનાથના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યુ હતું.
શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી જે.ડી.પરમારના હસ્તે ૩૦ દિવસના અવિરત મહામૃત્યુંજય યજ્ઞનો પ્રારંભ કરાયો હતો. તેમ જ શ્રાવણની પ્રથમ ધ્વજાનું પૂજન પણ કરાયું હતું. શ્રાવણ મહિનાના પહેલા દિવસે આજે રાજ્યભરનાં શિવાલયોમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.
દેવભૂમિદ્વારકા જિલ્લાથી 16 કિલોમીટર દૂર દ્વારકા તાલુકામાં આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગમાં ભક્તોની લાંબી કતાર લાગી હતી.
ભરૂચથી અમારા પ્રતિનિધિ વાહિદ મશહદી જણાવે છે કે, ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદાનું જળ લઈ કાવડયાત્રીઓએ શિવ મંદિરની પ્રદક્ષિણા કરી હતી. 400થી વધુ કાવડયાત્રીઓએ નર્મદાના જળ લઈ ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની પ્રદક્ષિણા કરી ત્યારબાદ અંકલેશ્વર ખાતે આવેલા શિવ મંદિરમાં જળાભિષેક કર્યા હતો. ભરૂચ જિલ્લા કલેકટરે આજે કંબોઈ સ્તંભેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. આ મંદિરમાં શિવલિંગને દરિયાના પાણીથી દિવસમાં બે વખત અભિષેક થાય છે.
દીવથી અમારા પ્રતિનિધિ ભરતી રાવલ જણાવે છે કે, દીવના ગંગેશ્વર મહાદેવનું મંદિર પાંચ હજાર વર્ષથી પણ વધુ પુરાણું હોવાનું તેમજ તેની સ્થાપના પાંડવો દ્વારા કરવામાં આવી હોવાનું મનાય છે. આ પાંચેય શિવલિંગને રોજ સમુદ્ર અભિષેક કરે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ