રાજ્યભરમાં આજથી આઠમી ઓગસ્ટ સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી કરાશે. આ સપ્તાહ દરમિયાન તમામ જિલ્લાઓમાં સ્વરોજગાર મેળા, મહિલા સન્માન સમારોહ, કાયદાકીય જાગૃતિ જેવા વિવિધ સેમિનાર યોજાશે. જે અંતર્ગત, મહિલા સુરક્ષા દિવસ, બેટી બચાવો-બેટી પઢાવો, મહિલા સ્વાવલંબન દિવસ, મહિલા નેતૃત્વ દિવસ, મહિલા કર્મયોગી દિવસ, મહિલા કલ્યાણ દિવસ અને મહિલા અને બાળ આરોગ્ય
દિવસની ઉજવણી કરવામાં આવશે.અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં પણ આ કાર્યક્રમ અંતર્ગત બેટી બચાવો- બેટી પઢાઓને પ્રાધાન્ય આપતા સૂત્રોચ્ચાર સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું.તો નર્મદા જીલ્લાના નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે જનજાગૃતિ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. જીલ્લામાં એક અઠવાડિયા દરમિયાન કાયદાકીય શિબિરો, મહિલા રોજગાર મેળા, સ્પર્ધાઓ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.આણંદ જિલ્લાની પી. એમ. પટેલ કોલેજ ખાતે નારી વંદન સપ્તાહન અંતર્ગત જનજાગૃતિ રેલી યોજાઇ, પ્રદેશ મહામંત્રી નીપાબેન પટેલે આ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ સશક્ત અને શિક્ષીત બને તે હેતુથી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “નારી વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.
Site Admin | ઓગસ્ટ 1, 2024 3:06 પી એમ(PM) | નારી વંદન સપ્તાહ