રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે આવનારી પેઢીને સ્વસ્થ અને સશક્ત બનાવવા પ્રાકૃતિક ખેતીની ઝુંબેશમાં મહિલાઓની સહભાગિતાને અતિઆવશ્યક ગણાવી છે. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા સુરત જિલ્લા વહીવટીતંત્ર અને આત્માના અધિકારીઓને રાજ્યપાલશ્રીએ આપ્યું માર્ગદર્શન રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા સુરત જિલ્લા વહીવટીતંત્ર અને આત્માના અધિકારીઓ સાથે પ્રાકૃતિક ખેતી સંદર્ભે બેઠક યોજી જિલ્લામાં મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે એ માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જિલ્લામાં થયેલી પ્રાકૃતિક કૃષિ કામગીરીની સમીક્ષા કરીને જરૂરી સૂચનો કરતા પ્રાકૃતિક ખેતીમાં થયેલી કામગીરીની સરાહના કરી હતી. ખેડૂતોને પંચસ્તરીય પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનો રાજ્યપાલ શ્રીએ અનુરોધ કર્યો હતો.
તેમણે કહ્યું કે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાત દેશનું નેતૃત્વ કરશે, ત્યારે આ ઝુંબેશમાં મહિલાઓની સહભાગિતા અતિ આવશ્યક હોવાનું તેમણે ઉમેર્યું હતું.
રાજ્યપાલશ્રીએ આવનારી પેઢીને ઉપજાઉ જમીન વારસામાં આપવા પાણીની બચત, પર્યાવરણની રક્ષા, દેશી ગાયની રક્ષા, રોગમુક્ત સ્વસ્થ જીવન અને ખેતી-ખેડૂતના સર્વાંગી કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા રાજ્યના ખેડૂતોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો પર ભાર મૂક્યો હતો.
રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત અગ્રણી પ્રગતિશીલ ખેડૂતો-માસ્ટર ટ્રેનર્સને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરણા પૂરી પાડવા જણાવ્યું હતું. ઉમરપાડા તાલુકાનું બિલવણ ગામ પ્રાકૃતિક ગામ બન્યું છે અને 100 ટકા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે એ જાણીને તેઓ આનંદિત થયા હતા
Site Admin | ડિસેમ્બર 8, 2024 8:07 એ એમ (AM) | રાજ્યપાલ આચાર્ય દેવવ્રત