રાજ્યની તમામ મદદનીશ પોલીસ કમિશનરની કચેરીમાં ‘ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર’ની નિમણૂક કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું છે કે, ગુજરાત પોલીસ અને ડિરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલી આ પહેલ ખૂબ મહત્વપૂર્ણ છે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યમાં સજાનો દર વધારવા માટે અલગ-અલગ પ્રકારના પગલાઓ લેવામાં આવ્યા છે અને સજાનો દર સુધારવાનો પ્રોજેકટ હાલ અમલમાં છે.
ગુનાની તપાસ કરનાર પોલીસ અધિકારીને વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવા અને માર્ગદર્શન પુરૂં પાડવા માટે ફોરેન્સિક સાયન્સ વિષય નિષ્ણાંત અને તાલીમબધ્ધ ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર તેઓને મદદરૂપ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે કોઇપણ ગુનો બને ત્યારે ફોરેન્સીક ક્રાઇમસીન મેનેજરની મદદથી વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરી કેસને સુદ્બઢ બનાવવા અને આરોપીઓને સજા થાય તથા પિડીતોને ન્યાય મળે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.