મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોની સુવિધા માટે 14 નગરો અને એક મહાનગરમાં અંદાજે 254 કરોડ રૂપિયાના વિકાસ કામોને મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જસદણ, હાલોલ, વિરમગામ, પારડી, પાટણ, વેરાવળ, બોટાદ, પોરબંદર, છાયા તેમજ ચોરવાડ, ટંકારા અને કરમસદ, ઉમરગામ, બિલીમોરા તથા વાઘોડિયા નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકાને લાભ મળશે.
જસદણ નગરપાલિકાને ભાદર નદી પર રિવરફ્રન્ટના કામ માટે 6 કરોડ, હાલોલ નગરપાલિકામાં ટાઉનહોલ નિર્માણ માટે 10.29 કરોડ અને વિરમગામ નગરપાલિકામાં રોડ પહોળા કરવા અને કિલ્લાની નવી દિવાલ માટે 8.64 કરોડના કામોની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત જુનાગઢ મહાનગરપાલિકાને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ટાઉનહોલ તેમજ નરસિંહ વિદ્યા મંદિર બિલ્ડીંગ હેરિટેજના કામ માટે 40 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. પારડી નગરપાલિકાને 25.29 કરોડ તથા પાટણ નગરપાલિકાને 25.52 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. વેરાવળ-પાટણ નગરપાલિકા માટે 26.69 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત કરમસદ નગરપાલિકાને 24.54 કરોડ, ઉમરગામ નગરપાલિકાને 14.93 કરોડ તથા બિલીમોરા નગરપાલિકાને 9.11 કરોડ ભૂગર્ભ કરોડ યોજના માટે મંજૂર કરવામાં આવ્યા છે.