રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે સુરત, નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે નવમી ઑગસ્ટે બનાસકાંઠા, નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આજથી 10 ઑગસ્ટે સુધી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી છે.
રાજ્યમાં ફરી એક વાર વરસાદનું જોર ઘટ્યું છે. ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટરના જણાવ્યા પ્રમાણે, આજે સવારે 6 થી 2 વાગ્યા દરમિયાન માત્ર 27 તાલુકામાં સામાન્ય વરસાદ થયો છે. સત્તાવાર યાદી પ્રમાણે, રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 68 ટકા વરસાદ નોંધાયો છે. આમાં સૌથી વધુ 87 ટકા વરસાદ કચ્છમાં તો સૌથી ઓછો 49 ટકા વરસાદ પૂર્વ-મધ્ય ગુજરાતમાં વરસ્યો છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ અત્યાર સુધી કુલ સંગ્રહશક્તિના 65 ટકા ભરાઈ ગયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયમાં કુલ સંગ્રહશક્તિના 61 ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યના 47 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે. આ સાથે જ 61 ડેમ હાઈઅલર્ટ, 14 ડેમ અલર્ટ અને 12 ડેમ વૉર્નિંગ પર છે.
રાજ્યમાં વરસાદ સ્થિતિને પહોંચી વળવા નર્મદા, કચ્છ, વલસાડ, જુનાગઢ, સુરત, વડોદરા અને નવસારીમાં રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ – NDRFની એક-એક ટુકડી તહેનાત છે. જ્યારે દેવભૂમિદ્વારકા જિલ્લામાં 2 ટુકડી તહેનાત કરાઈ છે.
તાપીના અમારા પ્રતિનિધિ નિરવ કંસારા જણાવે છે કે, ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવકના કારણે ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે. આ ચારેય દરવાજાને ચાર ફૂટ ખોલી 28 હજાર 520 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ડેમની સપાટી રૂલ લેવલ 335 ફૂટ સુધી પહોંચી છે.
Site Admin | ઓગસ્ટ 7, 2024 3:16 પી એમ(PM)