રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે અને પાંચમી ઑગસ્ટે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ અને નગર હવેલીમાં ઑરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત આવતીકાલે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથમાં ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગની આગાહીને જોતા આગામી ત્રણ દિવસ દરિયાકાંઠાના જિલ્લાઓમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડા, ખાનપુર, કડાણા, સંતરામપુર અને બાલાસિનોર તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
નવસારી ખાતે વાંસદાથી ચારણવાડા જતા રસ્તા વચ્ચે આવેલી કાવેરી નદીના પૂલ પરથી ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે નદી બન્ને કાંઠે વહેતી થતાં વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો.
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં છેલ્લા 24 કલાકમાં કુલ 8 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. અહીં મધુબન ડેમથી 50 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવતાં દમણગંગા નદીનું જળસ્તર વધી રહ્યું છે.
———————-
(હિન્દુસ્થાન સમાચાર – પીટીસી – નવસારી- મહીસાગર – દમણ – પ્રવેશ)