ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 2, 2024 8:02 પી એમ(PM) | વરસાદ | હવામાન

printer

રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, વડોદરા, મહિસાગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી

રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, વડોદરા, મહિસાગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે.
ગાંધીનગરના રાજ્ય આપાતકાલીન સંચાલન કેન્દ્રના જણાવ્યા મુજબ, સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 169 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. સૌથી વધારે 9 ઇંચ બનાસકાંઠાના લાખાણી તાલુકામાં વરસ્યો. જ્યારે મહેસાણાના મહેસાણા અને બેચરાજી તાલુકામાં અને નવસારીના ચીખલીમાં પોણા ચાર ઇંચ, બનાસકાંઠાના વાવ અને સૂઇગામમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાયના તાલુકાઓમાં 3 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.
રાજકોટ જિલ્લાના આજી – 2 સિંચાઈ યોજનામાં વરસાદના કારણે ડેમ ભરાઇ જતા રૂલ લેવલ સપાટી જાળવવા ડેમના 2 દરવાજા બપોરે 0.15 મીટર ખોલવામાં આવ્યા છે. આથી ડેમની હેઠવાસમાં આવેલા પડધરી તાલુકાના અડબાલ્કા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગધાડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર અને ઉકરડા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા મામલતદાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની યાદીમાં જણાવાયું છે.
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પાસે આવેલો ભાદર-2 ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. આથી રૂલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં અવર જવર ન કરવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
તાપીના અમારા પ્રતિનિધિ નિરવ કંસારા જણાવે છે કે, વ્યારા ખાતે નિવાસી કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલરૂમ ખાતે ફરજ બજાવતા કર્મચારીઓને ચોમાસા દરમિયાન બનતા અકસ્માત અને ઘટનાઓને પહોંચી વળવા મામલતદાર, આપત્તિ અને આપત્તિ વ્યવસ્થાપનના અધિકારીઓએ કર્મચારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ તાલીમ દરમિયાન કર્મચારીઓને વિવિધ વિભાગ સાથે સંકલન કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી. તેમ જ નુકસાનથી સંભવિત અસર પામી શકે તેવા વિસ્તારો કે સમુદાયોને પરિસ્થિતિથી માહિતગાર કરવા અને આપાતકાલીન સમયે કાર્યરત્ ટુકડીઓ સાથે સંકલનમાં રહેવા અનુરોધ કરાયો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ