રાજ્યના હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ત્યારે રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં ત્રણ તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયાના અહેવાલ છે.
ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ ગઈકાલે રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો.
અરવલ્લી જિલ્લાના અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે, મોડાસા અને માલપુર સહિતના પંથકમાં વરસાદી માવઠું પડતાં ખેડૂતોની ચિંતા વધી છે.
મહીસાગર જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે કે, લુણાવાડા, બાલાસિનોર અને ખાનપુર તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં, જેના કારણે વાવેતર કરાયેલા પાકમાં જીવાત પડવાની સ્થિતિથી ખેડૂતોની ચિંતા વધી છે.
Site Admin | ડિસેમ્બર 27, 2024 3:22 પી એમ(PM) | હવામાન વિભાગ