રાજ્યના નાના ધંધા-રોજગાર કરતા કારીગરો માટે સરકારે પહેલી જુલાઈથી “માનવ કલ્યાણ યોજના 2.O” અમલમાં મૂકી છે. રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, હવે લાભાર્થીઓ પોતાના મનપસંદ સાધન-ઓજારની ખરીદી જાતે જ કરી શકે તે માટે ટૂલકિટના ઇ-વાઉચર અપાશે. લાભાર્થીઓ આ માટે ઈ-કુટીર પૉર્ટલ પર અરજી કરી શકશે.
શ્રી રાજપૂતે કહ્યું, નવી યોજના અંતર્ગત લાભાર્થીઓને પાયાની કૌશલ્ય તાલીમનો પણ વિકલ્પ અપાશે. ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેક્નોલોજી સંસ્થાન, R.S.E.T.I. સહિતની પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા પાંચ દિવસની કૌશલ્ય તાલીમ અપાશે. તાલીમ મેળવવા ઈચ્છુક લાભાર્થીઓને હાજરીના આધારે દૈનિક 500 રૂપિયાનું સ્ટાઈપેન્ડ પણ અપાશે.
આ ઉપરાંત લાભાર્થીઓ આ યોજના અંતર્ગત ભારત સરકાર અને રાજ્ય સરકારની પીએમ સ્વનિધિ યોજના, શ્રી વાજપેઈ બેન્કેબલ યોજના, દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના તથા અન્ય બેન્કેબલ યોજનાઓ હેઠળ ધિરાણ માટે અરજી પણ કરી શકશે.
આ યોજનોનો લાભ સેન્ટ્રીંગ કામ, વાહન સમારકામ, ભરતકામ, પ્લમ્બર, બ્યૂટી પાર્લર, ઇલેક્ટ્રિક એપ્લાયૅન્સીઝ રિપેરીંગ, દૂધ-દહીં વેચનાર, પાપડ બનાવનાર, અથાણા બનાવનાર અને પંચર કરતા કારીગરો લઈ શકશે.
Site Admin | ઓગસ્ટ 6, 2024 7:15 પી એમ(PM) | માનવ કલ્યાણ યોજના 2.O