રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇએ આ અંદાજપત્રમાં વિવિધ વિભાગો માટે અને નાગરિકોની સુવિધા વધારતી નવી જાહેરાતો પણ કરી છે. જેમાં…
પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની વિવિધ આવાસ યોજનામાં અપાતી હાલની એક લાખ 20 હજાર રૂપિયાની સહાયમાં મકાનદીઠ 50 હજાર રૂપિયાનો વધારો કરી હવે એક લાખ 70 હજાર રૂપિયાની સહાય અપાશે. જ્યારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 21 ટકાનો વધારો કરાયો. ઉપરાંત આદિજાતિ સમુદાય માટે ન્યૂ ગુજરાત પૅટર્ન યોજના માટે 37 ટકાનો વધારો કરી એક હજાર 100 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
શ્રી દેસાઈએ ઉમેર્યું, દિવ્યાંગ સંત સૂરદાસ યોજના હેઠળ 80 ટકાની જગ્યાએ 60 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા 85 હજારથી વધુ દિવ્યાંગજનોને 12 હજાર રૂપિયાની સહાય મળશે. અંદાજપત્રમાં નવ નવી મહાનગરપાલિકાના વિકાસને વેગ આપવા માટે 2 હજાર 300 કરોડ રૂપિયાની જોગવાઈ છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની જોગવાઈ 8 હજાર 883 કરોડ રૂપિયાથી વધારી 12 હજાર 847 કરોડ કરાઈ છે.
મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે 200 કરોડ, વિવિધ શિષ્યવૃત્તિઓ માટે 4 હજાર 827 કરોડ, ઔદ્યોગિક તાલીમ સંસ્થા-I.T.I.ને અપગ્રેડ કરવા 450 કરોડ, રાજ્યના લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગો સિવાય સ્ટાર્ટ-અપ એકમોની વિવિધ યોજનાઓ હેઠળ સહાય માટે અંદાજે 3 હજાર 600 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
જ્યારે 10 જિલ્લાઓમાં કુલ 20 સ્થળે સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બાંધવામાં આવશે, જેનો લાભ 13 હજારથી વધુ વિદ્યાર્થીઓને થશે.
અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્પૉર્ટ્સ એન્કલૅવ અને કરાઈ ખાતે આંતર-રાષ્ટ્રીય કક્ષાની રમતગમત સુવિધા ઉપલબ્ધ કરાવાશે. જ્યારે અમદાવાદની L.D. ઈજનૅરી કૉલેજ અને અન્ય છ સરકારી ટૅક્નિકલ સંસ્થાઓ ખાતે કૃત્રિમ બુદ્ધિમત્તા- A.I. લૅબ સ્થાપિત કરાશે. રાજ્યમાં અમલી “ગ્લૉબલ કૅપેબલિટી સેન્ટર્સ- G.C.C.” નીતિથી સર્વિસ ક્ષેત્રમાં 50 હજારથી વધુ રોજગારીનું સર્જન થશે.
અંદાજપત્રમાં રાજ્યમાં બે નવા એક્સપ્રેસ-વૅ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
હાલમાં વિધાનસભા ગૃહમાં નાણામંત્રી રાજ્યનું બજેટ જાહેર કરી રહ્યા છે…
Site Admin | ફેબ્રુવારી 20, 2025 4:05 પી એમ(PM) | નાણામંત્રી કનુ દેસાઇ
રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇએ આ અંદાજપત્રમાં વિવિધ વિભાગો માટે અને નાગરિકોની સુવિધા વધારતી નવી જાહેરાતો પણ કરી છે
