રાજ્યના ગૃહ વિભાગ હસ્તકની ન્યાયસહાયક વિજ્ઞાન પ્રયોગશાળામાં વિવિધ નમૂનાઓનું પૃથ્થકરણ તેમજ તાલીમ માટેની ફીમાં વધારો કરાયો છે. હવે દર 2 વર્ષે નમૂનાઓના પૃથ્થકરણ અને તાલીમ માટેની ફીમાં 10 ટકાનો વધારો કરાયો છે. આ નવા દર પહેલી સપ્ટેમ્બર 2024થી અમલી થયા હોવાનું ગૃહ વિભાગની અખબારી યાદીમાં જણાવાયું છે.
આ પ્રયોગશાળામાં હવે ટોક્સિકૉલૉજી પરિક્ષણ માટે નમૂનાદીઠ 8 હજાર 51 રૂપિયા, નાગરિક પૂરવઠા સહિતના એટલે કે, ગૃહ વિભાગ હસ્તક સિવાયના તમામ સરકારી કે અર્ધસરકારી વિભાગો તરફથી આવતા નમૂનાઓની ચકાસણી બાબતે નમૂનાદીઠ ફીનો દર 8 હજાર 52 રૂપિયા રાખવામાં આવ્યો છે. જ્યારે નાર્કો એનાલિસિસ, બ્રેઈન ફિંગરપ્રિન્ટીંગના અગ્રિમતાના કેસની નમૂના દીઠ ફી એક લાખ 61 હજાર 51 રૂપિયા રહેશે. ઉપરાંત સરકાર પક્ષકાર ન હોય તેવી ખાનગી વ્યક્તિઓ કે આરોપીઓએ કેસની તપાસ માટે નમૂનાદીઠ 80 હજાર 525 રૂપિયા ચૂકવવા પડશે.