રાજ્યનાં 21 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આવતી કાલે ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
આજે સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી રાજ્યનાં 121 તાલુકામાં હળવોથી ભારે વરસાદ નોંધાયો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનાં જણાવ્યા પ્રમાણે રાજકોટના લોધીકા તાલુકામાં બે કલાકમાં 4 ઈંચ વરસાદ, બનાસકાંઠાના ભાભરમાં બે કલાકમાં સાડા ત્રણ ઈંચ અને રાજકોટના ધોરાજીમાં 4 કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. મહેમદાવાદ તાલુકામાં બપોરનાં 12થી સાંજના ચાર વાગ્યા સુધી ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો.
ગાંધીનગરથી અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, ગાંધીનગર શહેરના સેક્ટરો, વાવોલ, કોલવડા, કુડાસણ, સરગાસણ, રાયસણ, સહિતના વિસ્તારોમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છોટા ઉદેપુર જિલ્લા માં ભારે બફારા બાદ એક સપ્તાહ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પર પ્રસરી છે અમદાવાદ શહેરી વિસ્તારમાં પણ આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
છોટા ઉદેપુરથી અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે , છેલ્લાં એક સપ્તાહના વિરામ બાદ જિલ્લાના બોડેલી, જેતપુર પાવી, કવાંટ અને છોટા ઉદેપુરમાં આજે બપોર બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો.દ્વારકા જિલ્લામાં ભાટિયા પંથકમાં ધોધમાર વરસાદના પગલે ભાટિયાની બજારમા પાણી ભરાતાં જન જીવન પ્રભાવિત થયું હતું . જિલ્લામાં ભારે વરસાદને કારણે પ્રેમસર – ટંકારીઆના કોજવેના પૂલ પર પાણી ભરાઇ ગયુ હતું.
કચ્છના ચાર તાલુકામાં પણ વરસાદના હળવાથી ભારે ઝાપટા નોંધાયા છે. ભાવનગર થી અમારા પ્રતિનિધિ પ્રકાશ ભિમાણી જણાવે છે કે , બોટાદ શહેરના પાળીયાદ રોડ, ગઢડા રોડ, ભાવનગર રોડ, પાંચપડા, હીફલી, ભગતની વાડી સહિત શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો .ગઢડા તાલુકાના ઢસા જલાલપુર, માંડવા, રસનાળ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.
પંચમહાલ જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા નાગરિકોને ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા વિકસિત “MAUSAM APP”, “DAMINI APP”, “MEGDOOT AGRO APP” અને “PUBLIC OBSERVATION APP” જેવી હવામાન ચેતવણી એપ્લિકેશનનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
MOUSAM મોબાઇલ એપ્લિકેશન દ્વારા લોકો હવામાનની આગાહીઓ, રડાર છબીઓ વગેરેની માહિતી મેળવી શકે છે. “DAMINI APP” ૪૦ ચો.કિ.મી.ના વિસ્તારની આસપાસ તોળાઈ રહેલી વીજળીના સંભવિત સ્થાનો અને વાવાઝોડાની હિલચાલ અને તેની દિશા અંગેની માહિતી આપે છે.
ખેડુતો “MEGDOOT AGRO APP” ની મદદથી હવામાનની માહિતીના આધારે પાકની સલાહ તેમજ અન્ય મહત્વપુર્ણ માહિતી પોતાની સ્થાનિક ભાષામાં જ મેળવી શકે છે. તેમજ ચોક્કસ સ્થળવાર હવામાનની જાણકારી માટે “PUBLIC OBSERVATION APP” બનાવવામાં આવેલી છે.
Site Admin | જુલાઇ 9, 2024 8:07 પી એમ(PM) | વરસાદ