હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમા ભારે વરસાદને પગલે યલો અલર્ટ જાહેર કર્યું છે. જે અનુસાર ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપરુ, નર્મદા, ભરૂચ તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા છે.
આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, તેમજ છોટાઉદેપરના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણ, દાદરા નગર હવેલીના અંતરિયાળ ભાગો ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ તેમજ કચ્છ અને દીવમાં હાળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
વડોદરા જિલ્લામા ભારે વરસાદને પગલે શિક્ષણ વિભાગે મહનગરપાલિકા અંતર્ગત આવતી તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં આજે રજા જાહેર કરી છે.
તો જિલ્લામાં વરસાદને પગલે રોગચાળાની ભીતિ સેવાતા નેંત્રગમાં રેપીડ રિસ્પોન્સ ટીમે આરોગ્ય સર્વે હાથ ધર્યો હતો. નેત્રંગ ગ્રામ પંચાયત હસ્તકના કુવા અને બોર તેમજ પાઇપલાઇમનમાંથી ગાંધી બજાર, ડબ્બા ફળિયા, શાંતિનગર, જવાહર બજાર, જીન બજાર વિસ્તારોમાં પીવાનું પાણી દૂષિત થતું હોવાથી ઝાડા ઉલ્ટીના ઘણા કેસો નોંધાયા હોવાના અહેવાલ છે. દરમિયાન એક પ્રૌઢ મહિલા સહિત ત્રણના મોત નોંધાતા આરોગ્ય વિભાગે સર્વેની કામગીરી હાથ ધરી હતી.
અરવલ્લી જિલ્લામાં શનિવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. જિલ્લામાં છેલ્લા બે દિવસમાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લાના માલપુરમાં સૌથી વધુ પોણા બે ઇંચ વરસાદ, મેઘરજમાં સવા ઇંચ તેમજ ધનસુરમાં એક ઇંચ જેટલો વરસાદ અને બાયડમાં પોણા ઇંચ તેમજ ભિલોડામાં 7 મિલિમીટર વરસાદ નોંધાયો હતો. માલુપરમાં વરસાદને પગલે ઠેર ઠેર નદી -નાળા છલકાયા હતા. તો અનેક જિલ્લાઓમાં ચોમાસા અગાઉ વાવણી કરેલ મગફળી અને સોયાબિનનો પાકને માઠી અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.