ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 13, 2024 7:52 પી એમ(PM)

printer

રાજયમાં આજે સવારના છ વાગ્યાથી લઇને સાંજના 6 વાગ્યા સુધીમાં 69 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો

રાજયમાં આજે સવારના છ વાગ્યાથી લઇને સાંજના 6 વાગ્યા સુધીમાં 69 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ગાંધીનગર ખાતેથી જાહેર થયેલા સત્તાવાર આંકડા અનુસાર સવારના છ વાગ્યાથી લઇને સાંજના છ વાગ્યા સુધીમાં 69 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો.
જેમાં નવસારીના ગણદેવીમાં સૌથી વધુ 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે નવસારીના જલાલપોર તાલુકાના ખરસાડ ગામમાં ખાડીના પાણી ભરાતાં ગામ બેટમાં ફેરવાયું હતું. ખેરગામમાં સવા 4 ઇંચ, ચીખલીમાં 4, અને વાંસદામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદ ખાબકતા ગ્રામીણ વિસ્તારમાં 17 રસ્તાઓ બંધ થતા વાહનવ્યવહારને અસર થઇ હતી. ભારે વરસાદને કારણે નવસારી હાઇવે પર ખાડા પડી જતા વાહન ચાલકો હેરાન થઇ ગયા હતા.

વલસાડના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે જિલ્લાના વલસાડ તાલુકામાં સવા ચાર ઇંચ, ઉમરગામમાં 4, કપરાડામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે અનેક સ્થળોએ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ છે..

અમારા નર્મદાના પ્રતિનિધિ દીપક જગતાપ જણાવે છે કે નર્મદા જિલ્લામાં તોફાની પવન અને વાવાઝોડા સાથે વરસાદ પડતાં નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતા.

અમારા ભરૂચના પ્રતિનિધિ વાહિદ મશહદી જણાવે છે કે જિલ્લામાં ૨૪ કલાકમાં જંબુસર અને વાલિયામાં એક-એક ઇંચ અને નેત્રંગમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.
દમણમાં આજે સવારના 8 થી બપોરના 4 વાગ્યા સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાતા મુખ્ય રસ્તા પર પાણી ભરાયા હતા.
આ ઉપરાંત આજે બપોર બાદ અમદાવાદમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા. દક્ષિણ ગુજરાતની સાથેસાથે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ વરસ્યા હોવાના અહેવાલ મળ્યાં છે.
મોરબીના હળવદ તાલુકાનો બ્રાહ્મણી-૨ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો હોવાથી હેઠવાસના 11 ગામોને એલર્ટ કરાયા છે. તેમજ ગ્રામજનોએ તકેદારી રાખવા અને નદીના પટમાં અવરજવર ના કરવા સુચના આપવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ