રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે આજે ભારત યુનાની પદ્ધતિમાં શિક્ષણ, સંશોધન, આરોગ્ય સંભાળ અને દવાઓના ઉત્પાદનમાં વિશ્વમાં અગ્રણી સ્થાન ધરાવે છે. નવી દિલ્હીમાં યુનાની દિવસ પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરતા શ્રી મૂર્મુએ કહ્યું કે, આજે યુનાન એટલે કે ગ્રીસ અને મધ્ય એશિયાના દેશોમાં યુનાની દવા પદ્ધતિનો એટલો ઉપયોગ થતો નથી જેટલો ભારતમાં થાય છે. તેમણે ખુશી વ્યક્ત કરી કે યુનાની પદ્ધતિ સાથે સંકળાયેલા સંશોધકો અને પ્રેક્ટિશનરો આધુનિક પદ્ધતિઓ અને ટેકનોલોજીના ઉપયોગી પાસાઓ અપનાવી રહ્યા છે.
આ પ્રસંગે કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે જણાવ્યું કે, સરકાર યુનાની દવા અને અન્ય ભારતીય દવા પ્રણાલીઓના વિકાસને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. દરમિયાન કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, યોગ હોય, આયુર્વેદ હોય કે યુનાની, કોવિડ મહામારી દરમિયાન વિશ્વએ તેની અસરકારકતા જોઈ છે.
ઉલ્લેખનીય છે કે પ્રખ્યાત યુનાની ચિકિત્સક, શિક્ષક અને સ્વાતંત્ર્ય સેનાની હકીમ અજમલ ખાનના જન્મદિન નિમિતે દર વર્ષે 11 ફેબ્રુઆરીને યુનાની દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
Site Admin | ફેબ્રુવારી 11, 2025 7:42 પી એમ(PM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
યુનાની પદ્ધતિમાં શિક્ષણ, સંશોધન, આરોગ્ય અને દવાઓના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું અગ્રણી સ્થાન :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
