મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ધંધુકામાં 246 કરોડથી વધુ રૂપિયાના ૧૮૪ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ભાલ પ્રદેશ તીવ્ર ગતિએ વિકસી રહ્યો છે.
આ વિસ્તારમાં એક હજાર કરોડ રૂપિયાના વિકાસકાર્યો પ્રગતિ હેઠળ છે. તેમણે ઉમેર્યુ હતું કે પ્રધાનમંત્રીના નેતૃત્વના પગલે ગુજરાત દેશમાં રોલ મોડલ બન્યું છે. ધંધૂકાની મુલાકાત દરમિયાન તેમણે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ દ્વારા નિર્મિત લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ને ખુલ્લું મૂક્યું હતું.
આ સંગ્રહાલયમાં પ્રાચીન ચીજવસ્તુઓ અને ખ્યાતનામ ચિત્રકારોની કૃતિઓ સંગ્રહિત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ધંધુકા પ્રવાસ દરમિયાન રેસ્ટ હાઉસ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી મ્યુઝીયમનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ધંધુકા રેસ્ટ હાઉસ ખાતે ઐતિહાસિક સ્મૃતિ સ્થળ તરીકે વિકસિત કરવામાં આવ્યું છે. તેનું પણ મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધંધુકા સ્થિત RMS હોસ્પિટલની મુલાકાત લઇને સરદાર પટેલ હેલ્થ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રીઓ સાથે બેઠક યોજીને હોસ્પિટલની સુવિધાઓ અંગે ચર્ચા કરી હતી.
Site Admin | નવેમ્બર 17, 2024 7:03 પી એમ(PM)